
પુણે: ભારત અને પાકિસ્તાનના સંબંધો સતત ચર્ચાનો વિષય બની રહે છે. પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પીઓકેમાં આતંકી ઠેકાણા પર કરેલા હુમલાની ખૂબ જ ચર્ચા થઇ હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચ્યું હોવા છતાં વિશ્વની સામે અનેક ડંફાસો ફેકી હતી. જો કે ખરેખર તો લાફો મારીને ગાલ લાલ રાખવા સમાન જ આ વાત હતી.
આ અંગે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સામે આવેલી પોતાની ગંભીર ખામીઓને છુપાવવા માટે પાકિસ્તાને ઉતાવળે સૈન્ય અને બંધારણીય ફેરફારો કરવા પડ્યા છે
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલમાં મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે એપ્રિલમાં થયેલા આતંકી હુમલા બાદ મે મહિનામાં ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ એ પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન સામે આવેલી પોતાની ગંભીર ખામીઓને છુપાવવા માટે પાકિસ્તાને ઉતાવળે સૈન્ય અને બંધારણીય ફેરફારો કરવા પડ્યા છે, જે એક રીતે તેની નિષ્ફળતાનો પરોક્ષ સ્વીકાર છે.
પાકિસ્તાનમાં થયેલા સૈન્ય ફેરફારોની વિગત આપતા CDSએ જણાવ્યું કે, પાકિસ્તાને તેના બંધારણની કલમ 243માં સુધારો કરીને હાયર ડિફેન્સ ઓર્ગેનાઈઝેશનમાં મોટા ફેરફારો કર્યા છે. પાકિસ્તાને ‘ચેરમેન, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી’નું પદ નાબૂદ કરીને ‘ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ’નું નવું પદ બનાવ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ નવા CDFની નિમણૂક માત્ર આર્મી ચીફ દ્વારા જ થઈ શકશે. આ પગલાથી પાકિસ્તાની સૈન્યમાં સત્તાનું અસાધારણ કેન્દ્રીકરણ એક જ વ્યક્તિના હાથમાં થશે, જે હવે લેન્ડ ઓપરેશન, વ્યૂહાત્મક દળો અને નવી રચાયેલી ‘રોકેટ ફોર્સ’ પર દેખરેખ રાખશે. જનરલ ચૌહાણે આ માળખાને સૈન્ય સંયુક્તતાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું હતું.



