CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો; જાણો ક્યારથી શરુ થશે પરીક્ષા

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026 માં માટે 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો અંદાજિત કાર્યક્રમ જાહેર કર્યો છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરુ થશે અને 15 જુલાઈ સુધી ચાલશે.
બોર્ડે ધોરણ 10 અને 12 માટેની મુખ્ય પરીક્ષાઓ, ધોરણ 12ના રમતગમતના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ, ધોરણ 10ની બીજી પરીક્ષા અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
CBSE એ આપેલી જાહેરાત મુજબ ભારતભરમાં અને અન્ય 26 દેશોમાં 204 વિષયોમાં લગભગ 45 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડે જણાવ્યું કે આટલા મોટા પાયે પરીક્ષાની તૈયારીઓ માટે તમામ વિદ્યાર્થીઓ, શાળાઓ અને શિક્ષકો વચ્ચે વધુ સારું સંકલન થાય એ જરૂરી છે.
આ પણ વાંચો: CBSE વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: પરીક્ષા આપતા પહેલા જાણી લો આ નવા નિયમો
બોર્ડે જણાવ્યું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓને આગળનું આયોજન કરી શકે એ માટે અત્યારથી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડે જણાવ્યું કે પરિણામોમાં વિલંબ ન થાય એ માટે મુખ્ય પરીક્ષાઓની સાથે, પ્રેક્ટિકલ, મૂલ્યાંકન, ઉત્તરવહીઓની ચકાસણી પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે.
વહેલી તારીખો જાહેર કરવાનો હેતુ:
2025 માં ધોરણ 9 અને 11 ના નોંધાયેલા વિદ્યાર્થીઓના ડેટાને આધારે પરીક્ષા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડનું કહેવું છે કે વહેલા પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવાથી વિદ્યાર્થીઓને વિષયવાર તૈયારી કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો: વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત…
આ કાર્યક્રમમને આધારે શાળાઓ શૈક્ષણિક અને વહીવટી કાર્યો માટે શિક્ષકોની નિમણૂકનું અગાઉથી આયોજન કરી શકશે. શિક્ષકોને પોતાનું વ્યક્તિગત શેડ્યુલ અને રજાઓનું આયોજન કરી શકશે.
આ સાથે CBSEએ સ્પષ્ટતા કરી છે કે આ તારીખો કામચલાઉ છે, અંતિમ તારીખો જાહેર પરીક્ષા નજીક આવતા જાહેર કરવામાં આવશે.