
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બોર્ડે શાળાઓને વિદ્યાર્થીઓની યાદી (List of Candidates – LOC) તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે.
આ સાથે, વિદ્યાર્થીઓની સુવિધા માટે એક નવી સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે, જેના દ્વારા માર્કશીટ અને સર્ટિફિકેટમાં ભૂલો સરળતાથી સુધારી શકાશે. આ પગલુ વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે રાહતદાયક સાબિત થશે.

સીબીએસઈએ ધોરણ 10 અને 12ની માર્કશીટ તથા સર્ટિફિકેટમાં નામ, જન્મતારીખ અને અન્ય વિગતોની ભૂલો સુધારવા એક નવી વ્યવસ્થા રજૂ કરી છે. શાળાઓએ વિદ્યાર્થીઓની LOC બોર્ડને સબમિટ કરવાની રહેશે, જેના આધારે બોર્ડ ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરશે.
આ સ્લિપમાં વિદ્યાર્થીનું નામ, માતા-પિતા કે વાલીનું નામ, જન્મતારીખ અને પસંદ કરેલા વિષયોની માહિતી હશે. વિદ્યાર્થીઓ આ સ્લિપ ચકાસીને જો કોઈ ભૂલ હોય તો તેનો સુધારો કરાવી શકશે.
વેરિફિકેશન સ્લિપ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ તેમાં દર્શાવેલી વિગતોની ચકાસણી કરી શકે. જો કોઈ ભૂલ જણાય, તો શાળાઓએ આ સુધારા માટે બોર્ડને વિનંતી મોકલવાની રહેશે.
આ પ્રક્રિયા પરીક્ષા ફોર્મ ભરવાની સાથે શરૂ થશે, પરંતુ તે માત્ર નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ઉપલબ્ધ રહેશે. આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓના દસ્તાવેજોમાં ચોકસાઈ જાળવવામાં મદદ કરશે, જે ભવિષ્યમાં તેમના માટે ફાયદાકારક રહેશે.
સીબીએસઈએ જાહેર કર્યું છે કે વેરિફિકેશન સ્લિપમાં સુધારા માટેનો સમય 13 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર, 2025 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાઓ ભૂલોનો સુધારો કરાવી શકશે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ સુધારો સ્વીકારવામાં આવશે નહીં. આ પગલું શાળાઓ અને વિદ્યાર્થીઓને સમયસર ચોક્કસ માહિતી સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો…નવમા ધોરણ માટે ‘ઓપન બુક એસેસમેન્ટ’ને મંજૂરી: આગામી સત્રથી શરુઆત, ફાયદો શું થશે?