AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાના બદલે સતત વધી રહી છે, અને હાલ તુરંત તો તે ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAPના નેતા સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)વિરુદ્ધ ગૃહ મંત્રાલયે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસને મંજૂરી આપી દીધી છે.
સત્યેન્દ્ર જૈન સામે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે હવે આ મામલે CBI એક્શનમાં આવી છે. આ ઉપરાંત આ કેસમાં સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહાર જેલમાં ખંડણીનું રેકેટ ચલાવવાનો અને દિલ્હીની વિવિધ જેલોમાં બંધ હાઈપ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની વસૂલવાનો પણ આરોપ છે.
આપણ વાંચો: સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વચગાળાના જામીન 8 જાન્યુઆરી સુધી લંબાવ્યા
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ તેમજ તિહાર જેલના અન્ય અધિકારીઓ રાજકુમાર અને મુકેશ પ્રસાદ પર 2019-22 વચ્ચે 12.50 કરોડ રૂપિયા વસુલવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ પણ મોકલી હતી.આરોપ છે કે તિહાર જેલના સતેન્દ્ર જૈન અને અન્ય અધિકારીઓએ પૈસાના બદલામાં પોતાના સરકારી પદનો દુરુપયોગ કર્યો અને જેલ મેન્યુઅલની વિરુદ્ધ જેલમાં બંધ કેદીઓને ઘણી સુવિધાઓ આપી હતી.
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ ફેબ્રુઆરીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસને મંજૂરી આપી હતી. જૈન, કેજરીવાલ સરકારમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન, મે 2022 માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તિહાર જેલમાં બંધ છે. સત્યેન્દ્ર જૈનને જેલ સત્તાવાળાઓ દ્વારા જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાના આરોપો થયા છે.