નેશનલ

આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2002 ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં ફરાર મોનિકા કપૂરને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહી છે. સીબીઆઇની આ કાનૂની લડાઈ બે દાયકાથી વધુ સમયથી ચાલી રહી હતી. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે મોનિકા કપૂર લાંબા સમયથી ફરાર હતી. કેન્દ્રીય એજન્સીએ કપૂરને અમેરિકામાં કસ્ટડીમાં લીધી છે અને અમેરિકન એરલાઇન્સના વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહી છે. જે બુધવારે રાત્રે ભારત પહોંચી શકે છે.

કાચા માલની ડ્યુટી-ફ્રી આયાત કરવા માટે લાઇસન્સ મેળવ્યા હતા

આ સમગ્ર કેસની વિગત મુજબ કથિત છેતરપિંડી બાદ મોનિકા કપૂર વર્ષ 1999 માં યુએસ ગઇ હતી. છેતરપિંડીના આ કેસમાં તેના બે ભાઈઓ સાથે મળીને ઘરેણાંના વ્યવસાય માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ ભારત સરકાર પાસેથી કાચા માલની ડ્યુટી-ફ્રી આયાત કરવા માટે લાઇસન્સ મેળવવા માટે કરવામાં આવ્યો હતો. આ કથિત છેતરપિંડીના કારણે ભારતીય તિજોરીને 1.44 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે ઓક્ટોબર 2010 માં બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ મુજબ કપૂરના પ્રત્યાર્પણ માટે અમેરિકાનો સંપર્ક કર્યો હતો.

સરકારને વર્ષ 1998 માં 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું

હકીકતમાં, મોનિકા કપૂરે તેના ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને વર્ષ 1998 માં નકલી નિકાસ બિલ, શિપિંગ બિલ, ઇન્વોઇસ, નિકાસના બેંક પ્રમાણપત્રો દ્વારા 2 કરોડ 36 લાખ રૂપિયાના ડ્યુટી ફ્રી સોનાની આયાત માટે 6 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા. આ લાઇસન્સ અમદાવાદના ઉદ્યોગપતિ દીપને નફો લઈને વેચી દીધું હતું. જયારે દીપ દ્વારા ડ્યુટી ફ્રી સોનાની આયાત માટે આ લાઇસન્સનો ઉપયોગ કરીને સોનું આયાત કરવામાં આવ્યું હતું. જેના કારણે સરકારને વર્ષ 1998 માં 1.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આપણ વાંચો:  બિહારમાં મતદાર કાર્ડમાં ગરબડનો કિસ્સો અજીબોગરીબઃ મહિલાના આઈડીમાં સીએમનો ફોટો

મોનિકાને પીઓ એટલે કે ભાગેડુ ગુનેગાર જાહેર કરી

આ કેસમાં, 31 માર્ચ 2004 ના રોજ દિલ્હીની સાકેત કોર્ટમાં મોનિકા કપૂર, રાજન ખન્ના, રાજીવ ખન્ના વિરુદ્ધ IPC ની કલમ 120B, 420, 467, 468, 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બર 2017 ના રોજ, કોર્ટે રાજન ખન્ના અને રાજીવ ખન્નાને દોષિત જાહેર કર્યા. જો કે આ સમય દરમિયાન મોનિકા કપૂર તપાસમાં ભાગ લઈ રહી ન હતી. જેના કારણે 13 ડિસેમ્બર 2016 ના રોજ કોર્ટે મોનિકાને પીઓ એટલે કે ભાગેડુ ગુનેગાર જાહેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button