CBIની ટીમ કોલકાતાથી ખાલી હાથે પરત ફરી, બંગાળ પોલીસે શાહજહાં શેખની કસ્ટડી ન સોંપી
પશ્ચિમ બંગાળ પોલીસની CIDએ કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી પણ ED અધિકારીઓ પર હુમલાના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપ્યો નથી. શેખને કસ્ટડીમાં લેવા માટે CBIની ટીમ અર્ધલશ્કરી દળો સાથે કોલકાતામાં CID ઓફિસ પહોંચી હતી, પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સીને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે.
બંગાળની મમતા સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોર્ટમાં બુધવારે (6 માર્ચ, 2024)ના રોજ આ કેસની સુનાવણી થઈ શકે છે. બંગાળ સરકાર તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ અભિષેક સિંઘવીએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ આ મામલે મંગળવારે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે EDએ શાહજહાં શેખના એપાર્ટમેન્ટ અને જમીન સહિત રૂ. 12.78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
કલકત્તા હાઈકોર્ટે શું આદેશ આપ્યો છે?
5 જાન્યુઆરીએ કોલકાતા હાઈકોર્ટે ED અધિકારીઓ પર હુમલાની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે શાહજહાં શેખની કસ્ટડી સાંજે 4.30 વાગ્યા સુધી CBIને આપવામાં આવે.
ED અને બંગાળ સરકારનું શું કહેવું છે?
ED અને પશ્ચિમ બંગાળ સરકારે 17 જાન્યુઆરીના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ED અધિકારીઓ પર ટોળાના હુમલાની તપાસ માટે CBI અને રાજ્ય પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવે. આના સંદર્ભમાં, ઇડી ઇચ્છે છે કે તપાસ ફક્ત સીબીઆઇને સોંપવામાં આવે, જ્યારે રાજ્ય સરકાર ઇચ્છે છે કે આ કેસ ફક્ત બંગાળ પોલીસને સોંપવામાં આવે.