સીબીઆઈએ કરુર ભાગદોડ કેસની તપાસ માટે ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજય થલાપતિને સમન્સ પાઠવ્યો

નવી દિલ્હી : તમિલનાડુના કરુરમાં 27 સપ્ટેમ્બર 2025ના રોજ રાજકીય રેલીમાં થયેલી નાસભાગ કેસની તપાસ માટે સીબીઆઈએ ટીવીકેના સ્થાપક અને અભિનેતા વિજય થલાપતિને સમન્સ પાઠવ્યો છે. સીબીઆઈએ તેમને 12 જાન્યુઆરી આ કેસની તપાસ માટે બોલાવ્યા છે. આ રેલીમાં નાસભાગના લોધે 41 લોકોના મોત થયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા.
સીબીઆઈએ ટીવીકેના ટોચના નેતાઓની પૂછપરછ કરી
આ પૂર્વે ગત વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે તપાસ સોંપ્યા બાદ સીબીઆઈએ ટીવીકેના ટોચના નેતાઓની પૂછપરછ કરી ચૂકી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ હવે આ કેસના સંદર્ભમાં વિજય થલાપતિને સમન્સ પાઠવવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ તે આ મામલે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્ણય લઈ શકે છે.
આપણ વાચો: બેંગલુરુ નાસભાગ કેસની તપાસ સીઈઆઈડીને સોંપવામાં આવી, ભાજપ નેતાએ લગાવ્યો આવો આરોપ
સીબીઆઈએ તપાસ શરુ કરી
આ કેસની તપાસ શરુ કર્યા બાદ સીબીઆઈએ આ કાર્યક્રમ માટે આપવામાં આવેલી મંજુરી, ભીડ વ્યવસ્થાપન પગલાં, પોલીસ તૈનાતી અને ઈમરજન્સી રિસ્પોન્સની તપાસ કરી છે. તેમજ ટીવીકેના પદાધિકારીઓના નિવેદનો પણ લીધા હતા.
આ કેસમાં સીબીઆઈ સમક્ષ હાજર થનારાઓમાં ટીવીકેના રાજ્ય મહાસચિવ બસ્સી આનંદ, સંયુક્ત સચિવો નિર્મલ કુમાર અને આધવ અર્જુન અને કરુર પશ્ચિમ જિલ્લા સચિવ મથિયાઝગનનો સમાવેશ થાય છે.
કરુર ભાગદોડ પછી તરત જ, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને મોટા કાર્યક્રમો માટે સુરક્ષા પ્રોટોકોલ સુધારવા માટે રાજકીય રેલીઓ અને જાહેર મેળાવડા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)તૈયાર કરવા અને સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો.
આપણ વાચો: નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?
રેલીમાં નાસભાગમાં 41 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે, 27 સપ્ટેમ્બર 2025 ના રોજ કરુરના વેલુસ્વામીપુરમમાં વિજય થલાપતિ ની રાજકીય રેલી દરમિયાન કરુર નાસભાગ મચી હતી. વિજય સ્થળ પર મોડા પહોંચતા અને ભીડ વધતા નાસભાગ મચી હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની પાર્ટીના રાજકીય અભિયાનની શરૂઆત કરનાર અભિનેતાને આ ઘટના બાદ વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં વિજયે પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ઘટના માટે માફી માંગી હતી.



