
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં કથિત કૌભાંડને લઈને સીએમ મમતા બેનરજીના મંત્રીઓ સીબીઆઈના રડાર પર છે. તાજેતરમાં સીબીઆઈએ પશ્ચિમ બંગાળના ખાદ્ય અને પુરવઠા મંત્રી રથિન ઘોષના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પછી હવે આ મામલામાં વધુ એક મંત્રીના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે.
રવિવારે સવારે સીબીઆઈની એક ટીમ પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમના ઘરે પહોંચી હતી અને તેમને ત્યાં દરોડા પાડ્યા હતા. મહાનગરપાલિકાની ભરતીમાં થયેલા કૌભાંડ અંગે તપાસ દરમિયાન સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ભરતીમાં કથિત અનિયમિતતાઓના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ સર્ચ ચાલી રહ્યું છે.
કેન્દ્રીય દળોની મોટી ટુકડી સાથે સીબીઆઈ અધિકારીઓની એક ટીમ દક્ષિણ કોલકાતાના ચેતલા વિસ્તારમાં મંત્રી ફરિહાદ હકીમના ઘરે પહોંચી હતી. “બે સીબીઆઈ અધિકારીઓ હકીમની પૂછપરછ કરી રહ્યા છે,” એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. સીબીઆઈની ટીમ તરત જ શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતા હકીમના સમર્થકો તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા.
શહેરી વિકાસ અને મ્યુનિસિપલ અફેર્સ મિનિસ્ટર હકીમ કોલકાતાના મેયર પણ છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા છે અને પક્ષના સંગઠનમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ પહેલા બે વર્ષ પહેલા મંત્રી ફિરહાદ હકીમ નારદા કૌભાંડમાં પણ ફસાયા હતા. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતી કૌભાંડને લઈને તેમના પર સીબીઆઈની પકડ વધુ કડક થતી જોવા મળી રહી છે.