CBIએ સોનમ વાંગચુક સામે તપાસ શરૂ કરી, નાણાંકીય ગેરરીતિની આશંકા

લેહ: લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ઘણાં દિવસોથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલને ગઈ કાલે કોઈ કારણોસર હિંસકરૂપ ધારણ કર્યું હતું. આંદોલનના નેતા અને ક્લાઈમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકે પ્રદર્શનકરીઓને હિંસા રોકવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ તેમના વિરુદ્ધ કાર્યવાહી શરુ આકરી છે. સોનમ વાંગચુકની સંસ્થા પર ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટના કથિત ઉલ્લંઘનનો આરોપ છે, જેની તપાસ ફરી શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ સોનમ વાંગચુકની સંસ્થાઓ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL), સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) અને તેમની કંપની શેશ્યોન ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (SIPL) સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં કથિત નાણાંકીય અનિયમિતતાઓ મળી આવી છે. CBIએ કથિત નિયમિતતાઓની તપાસ શરુ કરી છે.
તપાસ એજન્સીનો દુરુપયોગ?
સોનમ વાંગચુકના સમર્થકો CBIના એક્શનને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ આરોપ લાગ્યા છે કે કેન્દ્ર સરકાર CBI અને ED જેવી કેન્દ્રીય તાપસ એજન્સીનો ઉપયોગ વિરોધી વિચારધારાને દબાવવા માટે કરી રહી છે. ત્યારે સોનમ વાંગચુક સામે કાર્યવાહી શરુ થતા આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
પ્રદેશમાં ભારેલા અગ્નિ જેવો માહોલ:
ગઈ કાલે લેહમાં પ્રદર્શનકરીઓ બેકાબુ બન્યા હતાં, પ્રદર્શનકરીઓએ ભાજપના મુખ્યાલયને આગ લગાવી દીધી હતી. કેટલીક જગ્યાએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે કરેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે અમે 70 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હાલ પ્રદેશમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે, પ્રદર્શનો ફરી ફાટી નીકળવાની શક્યતા છે.
આ પણ વાંચો…લદ્દાખમાં ઊભી થયેલી અરાજકતાનો સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત સાથે શું સંબંધ?