BRS નેતા કે. કવિતા સામે હવે CBIની કાર્યવાહી
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં BRS નેતા કે. કવિતાની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. ઈડી બાદ હવે સીબીઆઈએ પણ એક્સાઈઝ પોલીસી કૌભાંડ કેસમાં કે. કવિતા સામે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં શનિવારે સીબીઆઈએ 6 કલાક સુધી પૂછપરછ કરી. જે બાદ આજે એટલે કે ગુરુવારે કે. કવિતાની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા ઇડીએ દિલ્હી લીકર પોલિસી કાંડ સંબંધિત મની લોન્ડરિંગ બાબતે તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કવિતાની ધરપકડ થઇ છે અને હાલમાં તેઓ તિહારની જેલ નંબર 6માં બંધ છે. કવિતાની 15 માર્ચના રોજ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 26 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાને ન્યાયિક કસ્ટડી આપી હતી અને તેમને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને બુધવારે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું હતું કે તેણે કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની તિહાર સેન્ટ્રલ જેલમાં પૂછપરછ કરવા માટે મંજૂરી માગી હતી. 5 એપ્રિલે કોર્ટે કવિતાની જેલમાં પૂછપરછ કરવાની પરવાનગી આપી હતી. કવિતાએ તે આદેશને પડકાર્યો છે. 6 એપ્રિલના રોજ સીબીઆઈ કવિતાને કેસના આ પાસાઓ પર પૂછપરછ કરવા તિહાર જેલમાં ગઈ હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ED એ આરોપ મૂક્યો છે કે કવિતા “દક્ષિણ જૂથ” ની એક મુખ્ય સભ્ય છે, જેના પર દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) ને રાષ્ટ્રીય દારૂના લાઇસન્સનો મોટો હિસ્સો બદલ રૂ. 100 કરોડની કિકબેક ચૂકવવાનો આરોપ છે.