કેશ ફોર ક્વેરી: મહુઆ મોઇત્રાને કોઇ રાહત નહિ, સુપ્રીમે લોકસભા મહાસચિવ પાસે માગ્યો જવાબ
નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાના સસ્પેન્શન મામલે સુપ્રીમમાં દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી યોજાઇ હતી. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે તેને રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ મહુઆના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવા અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની બંને અપીલોને ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે લોકસભા મહાસચિવને 2 અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવાનો, તેમજ કેસની આગળની સુનાવણી માર્ચમાં રાખવાનો આદેશ આપ્યો છે.
ગત ડિસેમ્બરમાં સંસદના શિયાળુ સત્રમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. મહુઆ મોઇત્રાએ લોકસભાની એથિક્સ કમિટી પર પૂરતા પુરાવા વગર તેની સામે કાર્યવાહી કરવાના તેમજ લોકસભામાં સત્ર દરમિયાન પોતાનો બચાવ ન કરવા દેવાનો આરોપ મૂક્યો છે. તેણે કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જણાવ્યું હતું કે એથિક્સ કમિટીના તારણો પર ચર્ચા દરમિયાન તેને લોકસભામાં પોતાનો બચાવ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
મહુઆ મોઇત્રાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે મહુઆને ફક્ત તેનું લોગિન આઈડી શેર કરવા બદલ સંસદ પદ રદ કરી દેવામાં આવ્યું છે. તેના પર લાંચ લેવાના જે આરોપો છે તેની યોગ્ય રીતે તપાસ થઇ નથી. સિંઘવીએ પોતાનો દાખલો આપતા કહ્યું હતું કે હું 18 વર્ષ સુધી સંસદ સભ્ય હતો. કોઈ પણ વ્યક્તિ ઓપરેટ કરવા માટે માત્ર પાસવર્ડ આપી શકતો નથી, OTP પણ તેની પાસે જ આવે છે. પાસવર્ડ શેર કરવા સામે કોઈપણ નિયમોની તપાસ વિના મહુઆને હાંકી કાઢવામાં આવ્યા છે. જે નિયમો અમલમાં છે તે હેકિંગ સાથે સંબંધિત છે.
સિંઘવીએ કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે “ખરેખર તો મહુઆનું સસ્પેન્શન એક સાંસદના આરોપોને લીધે થયું છે. લગાવાયેલા આરોપોમાં વિરોધાભાસ હોવા છતાં મને પણ ચર્ચા કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમણે વધુમાં કહ્યું કે શું આટલા ક્ષુલ્લક કારણોસર સાંસદને હાંકી કાઢવામાં આવે તે શક્ય છે? મેં ફક્ત મારા નોમિની મેમ્બર સાથે OTP શેર કર્યો છે.” તેવું સિંઘવીએ કહ્યું હતું.