નેશનલ

‘મહુઆ મોઇત્રાનું લોકસભા સભ્યપદ રદ કરશો પણ… ‘: સીએમ મમતા બેનરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સંસદમાં કેશ ફોર ક્વેરી કેસમાં આરોપી મહુઆ મોઇત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું હતું કે મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બહાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ જો આમ થશે તો 2024ની ચૂંટણી પહેલા મહુઆ માટે ફાયદાકારક સાબિત થશે. મમતા બેનરજીએ કોલકાતામાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. જોકે, આ ઈવેન્ટ દરમિયાન મમતા બેનરજીએ મહુઆ મોઈત્રાના લાંચ લેવા અંગે સવાલ પૂછવા પર કોઈ ટિપ્પણી કરી ન હતી.

થોડા દિવસો પહેલા સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવાના આરોપોથી ઘેરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાને તેમની પાર્ટીએ નવી જવાબદારી સોંપી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને TMC સુપ્રીમો મમતા બેનરજીએ મોઇત્રાને કૃષ્ણનગર જિલ્લાના પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તપાસ પૂરી કર્યા બાદ સંસદની એથિક્સ કમિટીએ 10 નવેમ્બરે મહુઆ વિરુદ્ધ સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવાના મામલે રિપોર્ટ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મોકલ્યો હતો. હવે આ મામલે આગળ શું કાર્યવાહી કરવી તે સ્પીકર નક્કી કરશે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ નવી જવાબદારી માટે પાર્ટી ચીફ અને સીએમ મમતા બેનરજીનો આભાર માન્યો હતો. મહુઆ મોઇત્રાએ સીએમ બેનરજીનો આભાર માનતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી.

નોંધનીય છે કે બીજેપીના સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. દુબેએ આ આરોપો મહુઆના ભૂતપૂર્વ પાર્ટનર અને વકીલ જય અનંત દેહદરાઈ દ્વારા લખેલા પત્રના આધારે લગાવ્યા હતા.

સંસદની એથિક્સ કમિટીએ 2 નવેમ્બરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સ્પષ્ટતા કરવા બોલાવ્યા હતા. 9 નવેમ્બરના રોજ, સમિતિએ 6:4ના મતથી મહુઆને દોષી ઠેરવ્યા હતા એટલે કે, 6 સાંસદોએ આ અહેવાલની તરફેણમાં અને 4 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાનો અને તેમના લોકસભા એકાઉન્ટનો લોગ-ઈન આઈડી અને પાસવર્ડ બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે શેર કરવાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટ તૈયાર કરતા પહેલા સમિતિએ મહુઆ કેસમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આઈટી મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આઈટી મંત્રાલયના રિપોર્ટમાં કમિટીને જણાવવામાં આવ્યું હતું કે દુબઈના એક જ આઈપી એડ્રેસ પરથી મહુઆના લોકસભા એકાઉન્ટને 47 વખત એક્સેસ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button