ટોપ ન્યૂઝનેશનલ

વારાણસીમાં પીએમ મોદીને કેમ યાદ આવ્યું સોમનાથ મંદિર?

ઉત્તરપ્રદેશ: વારાણસીમાં વિશ્વનું સૌથી મોટું ધ્યાનકેન્દ્ર સ્વર્વેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરતા સમયે પીએમ મોદીએ સોમનાથ પર થયેલા આક્રમણ તથા તેના પુન:નિર્માણના વિરોધનો ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમ શાસકો દ્વારા 17 વાર સોમનાથ મંદિરનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો, ત્યારે સરદાર પટેલે તેનું ભવ્ય પુનર્નિમાણ કરાવી સોમનાથનું ગૌરવ પાછું અપાવવાનો સંકલ્પ લીધો હતો. મહાત્મા ગાંધી પણ એના પક્ષમાં હતા, પરંતુ તત્કાલિન વડા પ્રધાન પંડિત નહેરુ તથા તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે આ બાબતે ટકરાવ થયો હતો.ત્યારે ખરેખર આ બંને મહાનુભાવો વચ્ચે એ સમયે શું બન્યું હતું, આવો જાણીએ.

સોમનાથ મંદિરના પુનરોદ્ધાર બાદ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડા પ્રધાન નહેરુ બંનેને આ બાબતે ઘર્ષણ થયું હતું. 2 માર્ચ 1951ના રોજ નહેરુએ લખ્યું હતું કે, “તમે સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ ન થશો. દુર્ભાગ્યપણે આના ઘણા અર્થ નીકળશે. મારું એવું વ્યક્તિગત માનવું છે કે સોમનાથમાં વિશાળ મંદિર બનાવવા માટે હાલનો સમય ઉચિત નથી. આવું આયોજન પછી ક્યારેક ભવિષ્યમાં કરી શકાયું હોત. આથી તમે હાલ ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા ન કરો તે વધુ યોગ્ય રહેશે.

આ ઉપરાંત જે રાજ્યના મુખ્યપ્રધાનોને સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમને પણ નહેરુએ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ કોઇ સરકારી કાર્યક્રમ નથી. આની જેવા અન્ય કાર્યક્રમોથી પણ દૂર રહેવું તેવી નહેરુએ સલાહ આપી હતી. તેમણે ધર્મનિરપેક્ષતાને બંધારણનો ભાગ ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમને પગલે નહેરુ અને રાજેન્દ્રપ્રસાદ વચ્ચે અંતર વધ્યું હતું.

મંદિરના જીર્ણોદ્ધાર માટે મક્કમ બનેલા સરદાર પટેલે કેબિનેટની મંજૂરી મેળવી હતી. મહાત્મા ગાંધીએ પણ ટેકો આપ્યો હતો. તેને સરકારી ભંડોળને બદલે જાહેર ભંડોળથી બનાવવાની ગાંધીજીની દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી. સરદારના વિશ્વાસુ અન્ન અને કૃષિ મંત્રી કન્હૈયા લાલ માણિકલાલ મુનશીને મંદિરના પુનરુત્થાન અને નિર્માણ માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

જો કે મહાત્મા ગાંધીના નિધન બાદ હવે ન હતા. સરદાર પટેલનું પણ 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું હતું. ડાબેરી નેતાઓ અને બૌદ્ધિકો મંદિરના નિર્માણનો વિરોધ કરી રહ્યા હતા. નેહરુને લાગ્યું હતું કે મંદિરના નિર્માણમાં ભાગીદારી તેમની અને સરકારની બિનસાંપ્રદાયિક છબીની વિરુદ્ધ છે. સરદાર પટેલની ગેરહાજરીમાં નેહરુ માટે સરકારની અંદર કોઈ પડકાર બચ્યો ન હતો. મુનશી એકલા પડી ગયા હતા.

કેબિનેટની બેઠકમાં નેહરુએ મુનશીને કહ્યું હતું કે, “હું નથી ઈચ્છતો કે તમે સોમનાથ મંદિરના પુનરોદ્ધાર માટેના પ્રયત્નો કરો. આ હિંદુ પુનરુત્થાનવાદ છે.”

મુનશીએ 24 એપ્રિલ 1951ના રોજ એક પત્ર દ્વારા પંડિત નેહરુને જવાબ આપ્યો. મુનશીની હિંમત અને નિખાલસતા માટે આ પત્ર દેશની જનતાને યાદ રહેવો જોઈએ. સોમનાથ મંદિર મામલે બંનેના સંપૂર્ણપણે અલગ મંતવ્યો હોવા છતાં, નેહરુએ તેમને તેમના મંત્રીમંડળમાં યથાવત રાખ્યા હતા. મુનશીએ લખ્યું હતું કે, “ગઈકાલે તમે હિંદુ પુનરુત્થાનવાદનો ઉલ્લેખ કર્યો. મંત્રીમંડળમાં તમે મારા સોમનાથ સાથેના જોડાણ પર આંગળી ચીંધી હતી. મને આનંદ છે કે તમે આમ કર્યું, કારણ કે હું મારા કોઈપણ વિચારો અથવા કાર્યને છુપાવવા માંગતો નથી.”

“હું તમને ખાતરી આપી શકું છું કે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સોમનાથના પુનરુત્થાન યોજનાથી સમગ્ર ભારતના લોકો ખૂબ જ ખુશ છે. હરિજનો માટે મંદિરના દરવાજા ખોલવાના નિર્ણયને પગલે હિંદુ સમુદાયના કટ્ટરપંથી વર્ગ દ્વારા ચોક્કસપણે કેટલીક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટ્રસ્ટ કરારમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મંદિરના દરવાજા તમામ વર્ગો માટે ખુલ્લા છે.” તેવું મુનશીએ જણાવ્યું હતું.

ગાંધીવાદી રાજેન્દ્ર પ્રસાદનું ભાષણ તેમના મહાન વ્યક્તિત્વ અને તેમના પદની ગરિમાને અનુરૂપ હતું. તેમણે કહ્યું હતું કે, “ધર્મના મહાન તત્વોને સમજવાનો પ્રયત્ન કરો. સત્ય અને ઈશ્વર સુધી પહોંચવાના ઘણા રસ્તા છે. જેમ બધી નદીઓ વિશાળ સમુદ્રમાં ભળી જાય છે, તેવી જ રીતે વિવિધ ધર્મો લોકોને ભગવાન સુધી પહોંચવામાં મદદ કરે છે. હું હિંદુ હોવા છતાં તમામ ધર્મોનું સન્માન કરું છું. હું અનેક પ્રસંગોએ ચર્ચ, મસ્જિદો, ગુરુદ્વારા અને દરગાહની પણ મુલાકાત લેતો રહું છું.

નેહરુની વિચારસરણી અલગ હતી. તેમના મતે, દેશના સેવકોએ પોતાની જાતને ક્યારેય આસ્થા અથવા પૂજા સ્થાનો સાથે જોડવી જોઈએ નહીં. પરંતુ રાજેન્દ્ર પ્રસાદનો જવાબ અડગ હતો, “મને મારા ધર્મમાં વિશ્વાસ છે. હું મારી જાતને તેનાથી અલગ કરી શકતો નથી.” નારાજ નહેરુએ સૂચના અને પ્રસારણ મંત્રાલયને રાષ્ટ્રપતિના મંદિરના કાર્યક્રમના પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે