કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ટેકનિકલ ખામી
નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જ્યાં સુધી પ્લેનની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કેનેડિયન પ્રતિનિધિમંડળને ભારતમાં જ રોકાવું પડશે. હાલ વિમાનને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. એન્જિનિયરિંગ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ વિશેષ વિમાન ઉડાન ભરી શકશે. એન્જિનિયરોએ જણાવ્યું હતું કે પ્લેનમાં ખામી રાતોરાત સુધારી શકાતી નથી.
દિલ્હીના એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, “કેનેડિયન પીએમના એક વિશેષ વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ છે અને તેનું ટેકઓફ કરવાનું નક્કી નથી.” કેનેડિયન પીએમ ટ્રુડો અને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળે ભારતમાં G20 સમિટમાં હાજરી આપી હતી. બે દિવસની મુલાકાત પછી તેઓ કેનેડા પાછા જવા માટે તૈયાર હતા, પરંતુ તકનીકી ખામીને કારણે તેમને દિલ્હીમાં રોકાવું પડ્યું હતું, તેથી હવે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કેનેડાના વડાપ્રધાન અને તેમના સમગ્ર પ્રતિનિધિમંડળને ભારતમાં રોકાવું પડશે.
G20 સમિટમાં ભાગ લેવા માટે જસ્ટિન ટ્રુડો શુક્રવારે ભારત આવ્યા હતા. બે દિવસીય G20 સમિટના સમાપન સમયે ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કેનેડા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમે આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રુડોને કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ગતિવિધિઓ પર ભારતની મજબૂત ચિંતાઓ વિશે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે G20 સમિટ બાદ ટ્રુડો સાથેની તેમની વાતચીતમાં પીએમ મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે “પરસ્પર આદર અને વિશ્વાસ” પર આધારિત સંબંધ જરૂરી છે.