હવે કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા સરળ નહીં રહે! કેનેડા સરકાર કરી શકે છે મોટી જાહેરાત
નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી વધુ વધુ ભારતીય યુવાનો ઉચ્ચ આભ્યાસ માટે કેનેડા (Indian students in Canada) જઈ રહ્યા છે, દર વર્ષે આ ટ્રેન્ડમાં વધારો જોવામાં મળી રહ્યો છે. હવે કેનેડા સરકાર સ્ટુડન્ટ વિઝા માટેના નિયમો પણ કડક બનાવ્યા છે, જેથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
એક અહેવાલ મુજબ પાછલા વર્ષોની સરખામણીએ કેનેડા સરકાર આ વર્ષે ઘણા ઓછા સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કરવા પર વિચાર કરી રહી છે. આ સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા અભ્યાસ કરવા જવું પહેલા કરતાં વધુ મુશ્કેલ બની શકે છે.
કેનેડા સ્ટુડન્ટ વિઝામાં લગભગ 50 ટકાનો ઘટાડો કરી શકે છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કેનેડા અહીં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરીને સંખ્યા વર્ષ 2018 અને 2019માં જેટલી કરવા ઈચ્છે છે.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં પણ કેનેડાએ ભારતને આપવામાં આવતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યા અડધી કરી નાખી હતી. હવે એમાં પણ ઘટડો કરવામાં આવી શકે છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં કેનેડાએ ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે 4,36,000 વિઝા પરમિટ આપી હતી, પરંતુ વર્ષ 2024ના અંત સુધીમાં આ સંખ્યા 2,31,000 સુધી રહેવાની ધારણા છે. આ દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વૈશ્વિક વિઝા અરજીઓની પરમીશનમાં 39 ટકાનો ઘટાડો થઈ શકે છે.
અહેવાલ મુજબ દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. વર્ષ 2022ની વાત કરીએ તો કેનેડા આવતા 5.5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 2.26 લાખ વિદ્યાર્થીઓ ભારતના હતા. એટલું જ નહીં, 3.2 લાખ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહે છે, જેઓ ત્યાંની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપે છે.