કેનેડા ડ્રીમ પર પૂર્ણવિરામ? શા માટે લાખો ભારતીયો પર તોળાય રહ્યું છે ડિપોર્ટેશનનું સંકટ?

ઓટ્ટાવા: કેનેડામાં આગામી દિવસોમાં માન્યતા વગરના દસ્તાવેજથી વસવાટ કરનારાઓની સંખ્યામાં ધરખમ વધારો થવાની શક્યતા છે. તેનું કારણ છે કે લાખો અસ્થાયી વર્ક પરમિટ અને સ્ટડી પરમિટની મુદ્દત પૂરી થવી છે, જ્યારે બીજી તરફ નવી વિઝા શ્રેણીઓ અને કાયમી નિવાસ (PR) માટેના રસ્તાઓ સતત કડક બની રહ્યા છે. આવી સ્થિતિમાં કેનેડામાં રહી રહેલા લાખો અસ્થાયી રહેવાસીઓ, ખાસ કરીને ભારતીયો માટે મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
અહેવાલો અનુસાર, ૨૦૨૫ના અંત સુધીમાં ૧૦.૫૩ લાખ અને ૨૦૨૬માં વધુ ૯.૨૭ લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ રહી છે. ખાસ કરીને ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ ૩.૧૫ લાખ પરમિટ ખતમ થવાથી ઇમિગ્રેશન સિસ્ટમમાં મોટી અડચણ (બૉટલનેક) ઉભી થશે. આવાસની તંગી અને આરોગ્ય સેવાઓ પર વધતા દબાણને કારણે કેનેડા સરકારે ૨૦૨૬-૨૦૨૮ના પ્લાનમાં કામચલાઉ રહેવાસીઓની સંખ્યામાં ૪૩%નો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના કારણે માન્ય વિઝા રિન્યુ કરાવવા મુશ્કેલ બન્યા છે.
આ ગંભીર સ્થિતિની સામાજિક અસરો અત્યારથી જ ગ્રેટર ટોરોન્ટો એરિયામાં જોવા મળી રહી છે. બ્રામ્પટન અને કેલેડન જેવા વિસ્તારોમાં જંગલોની નજીક ટેન્ટ સિટી ઉભી થઈ રહી છે, જ્યાં દસ્તાવેજો વગરના લોકો આશ્રય લઈ રહ્યા છે. સ્થાનિક પત્રકારોના અહેવાલ મુજબ, અનેક ભારતીયો પકડાઈ જવાની બીકે હવે રોકડ પર કામ કરવા મજબૂર બન્યા છે. આ સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલાક એજન્ટો નકલી લગ્નો કરાવી આપવાની ઓફિસો પણ ખોલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ, આ અન્યાયી નીતિઓ સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. ‘નૌજવાન સપોર્ટ નેટવર્ક’ જેવા સંગઠનો જાન્યુઆરીમાં મોટા પાયે પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું સૂત્ર છે – ‘કામ કરવા માટે યોગ્ય, તો રહેવા માટે પણ યોગ્ય’. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો સરકાર આ માનવીય સંકટનો ઉકેલ નહીં લાવે, તો આગામી સમયમાં કેનેડાની અર્થવ્યવસ્થા અને સામાજિક માળખા પર તેની અત્યંત નકારાત્મક અસર પડશે.



