એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે
ભરત ભારદ્વાજ
ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની પહેલ કોણ કરે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે કેનેડાએ ભારત સાથેના સંબંધો વણસે એવો વધુ એક નિર્ણય લઈને ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ આતંકી સંદીપ સિંહ સિદ્ધ ઉર્ફે સની ટોરોન્ટોને નિર્દોષ જાહેર કર્યો છે. સની ભારતમાં પ્રતિબંધિત સંગઠન ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) નો સભ્ય પણ છે. આ વર્ષે ઓક્ટોબરમાં ભારત સરકારે સનીને ભાગેડુ આતંકવાદી જાહેર કર્યો હતો. સની પર પંજાબમાં આતંકવાદ ફેલાવવા માટે હત્યાઓ કરાવવાનો અને પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ મુકાયેલો છે.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર: સંજયની બૂમોથી હવે કશું ના થાય
ભારતે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)માં નોકરી કરતા સની ટોરન્ટોને આતંકવાદી ગણાવતાં કેનેડાએ તેને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી હતી. કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ સની સામે આતંકવાદના આરોપોની તપાસ કર્યા પછી તેને ક્લીનચીટ આપી છે. તેના પગલે સનીને કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)માં ફરી સુપરિન્ટેન્ડેન્ટના પદ પર મૂકી દેવામાં આવ્યો છે.
ભારતે સની પર ભારતમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધુની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો અને મજબૂત પુરાવા પણ આપ્યા હતા, બલવિંદરસિંહ સંધુ વ્યવસાયે શિક્ષક હતા અને ખાલિસ્તાન વિરોધી ચળવળકાર હતા. શીખો માટે અલગ ખાલિસ્તાનની માગણીનો વિરોધ કરનારા સંધુ ૧૯૯૦ના દાયકામાં પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ સામે લડ્યા હતા. આ બહાદુરી બદલ તેમને ૧૯૯૩માં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા.
બલવિંદર સિંહ સંધુની ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ તેમના પંજાબના ભીખીવિંડમાં આવેલા ઘરની સામે ગોળી મારીને
હત્યા કરાઈ હતી. આ કેસમાં બંને હત્યારા ઝડપાઈ ગયા હતા ને તેમણે કબૂલ્યું હતું કે સની ટોરોન્ટોએ તેમને સંધુની હત્યા કરવાની સોપારી આપી હતી. બંને હત્યારાઓએ બલવિંદર સિંહ સંધુની હત્યામાં સુખમીત પાલ સિંહ અને લખવીર સિંહની સંડોવણીની પણ કબૂલાત કરી હતી. સુખમીત પાલ સિંહ અને લખવીર સિંહ બંને ખાલિસ્તાની એક્ટિવિસ્ટ છે અને બંને સામે ઘણા કેસ પણ નોંધાયેલા છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?
નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA)એ સની ટોરોન્ટોની હત્યામાં સંડોવણીના પુરાવા આપ્યા હતા. એનઆઈએએ સની
ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોવાના તથા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે પણ તેના સંબંધો હોવાના પુરાવા પણ આપ્યા છે. સંધુની હત્યામાં સની અને આઈએસઆઈ બંનેની સંડોવણી હતી તેના પુરાવા આપ્યા હતા છતાં કેનેડાએ તેને ક્લીન ચીટ આપીને ભારતને મેસેજ આપી. દીધો છે કે, ભારત ગમે તેટલા ધમપછાડા કરે તો પણ કેનેડાને ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને કશું કરવામાં રસ નથી. કેનેડામાં બેઠાં બેઠાં આ ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ ભારતમાં હત્યાઓ કરાવે કે બીજી આતંકવાદી પ્રવૃત્તિઓ કરે પણ કેનેડાને કોઈ ફરક પડતો નથી. કેનેડા ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને પોષવાનું, પંપાળવાનું અને છાવરવાનું ચાલુ જ રાખશે.
કેનેડા ભારતની સુરક્ષા સામે ખતરારૂપ ખાલિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે એ વાત જગજાહેર છે ને કેનેડા તેમને કશું કરવા નથી માગતું એ પણ જગજાહેર છે કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ કેનેડામાં જાહેર સલામતી (પબ્લિક સેફ્ટી) અંગે ૨૦૧૮માં બહાર પાડેલા રિપોર્ટમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ ફરી માથું ઊંચકી રહ્યો હોવાનું કહેલું ને હમણાં જસ્ટિન ટ્રુડોએ પોતે ખાલિસ્તાનવાદીઓની કેનેડામાં સક્રિયતાનો સ્વીકાર કર્યો પણ છતાં કોઈ પગલાં લેવામાં તેમને રસ નથી. ૨૦૧૮ના રિપોર્ટ પ્રમાણે, કેનેડાની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાનના સમર્થકો ખાલિસ્તાની આંદોલનને ફરી સક્રિય કરવા કરી રહ્યા છે. કેટલાક કેનેડિયન નાગરિકો ખાલિસ્તાની વિચારધારા અને આતંકવાદી ચળવળને સમર્થન આપે છે અને નાણાકીય મદદ પણ કરે છે. આ રિપોર્ટ પ્રમાણે કેનેડા ઉપરાંત બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?
આ રિપોર્ટમાં હરદીપસિંહ નિજજરનો પણ ઉલ્લેખ હતો. નિજજર કેનેડામાં શીખ આતંકવાદીઓને ટ્રેઈનિંગ આપવા માટેના કેમ્પ ચલાવતો હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ હતો. હરદીપ સિંહ નિજજરની ૧૮ જૂન ૨૦૨૩ના રોજ હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરે શહેરમાં ગુસ્તારામાંથી બહાર નીકળતી વખતે નિજજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી પછી ૧૮ સપ્ટેમ્બરે કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજજરની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો અને તેના કારણે બંને દેશોના સંબધો વણસ્યા છે.
‘ટેરરિઝમ થ્રેટ ઈન કેનેડા’ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, કેનેડાને જિહાદના નામે આતંકવાદ ફેલાવતા કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદીઓ જેટલો જ ખતરો ખાલિસ્તાનવાદી આતંકવાદીઓ તરફથી છે. ભારતમાંથી પંજાબ સહિતના વિસ્તારોને આવરી લઈને અલગ ખાલિસ્તાન રાષ્ટ્રની માગણી કરતા ખાલિસ્તાનવાદીઓ કેનેડા માટે ખતરો બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ હતી.
કેનેડા સરકારના સત્તાવાર રિપોર્ટમાં આ વાત કહેવાયેલી હોવાથી કેનેડા કોઈ પગલાં લેશે એવી આશા સાથે ભારતે કેનેડાને ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી પણ આપી છે. ભારતમાં આતંકવાદ સામે લડતી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અને ગેંગસ્ટર્સની એક યાદી તૈયાર કરી છે. આ યાદીના ૧૭ ટોચના ટેરરિસ્ટ કે ગેંગસ્ટર્સ કેનેડામાં રહે છે અથવા કેનેડા સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો: ટ્રમ્પ પાસેથી ભારતને કઈ બે મોટી આશા છે?
આ પૈકી મોટા ભાગના આતંકવાદી તો કેનેડામાં જ રહે છે પણ ઘણા અમેરિકા કે યુરોપના કોઈ દેશમાં રહે છે પણ કેનેડા આવતા-જતા રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વ્યક્તિગત રીતે આતંકવાદી જાહેર કરાયેલા આ અપરાધીઓ કેનેડામાં બેઠાં બેઠાં પંજાબ અને આસપાસનાં રાજ્યોમાં ગેંગ્સ ચલાવે છે, ખંડણી ઉઘરાવે છે, હત્યાઓ કરાવે છે ને બીજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે.
આ આતંકવાદીઓ સામે કેનેડા કોઈ પગલાં જ નથી ભરતું ને હવે સનીને ક્લીન ચીટ આપી દેવાઈ તેના પરથી કેનેડાના બદઈરાદા સમજી જવાની જરૂર છે.
કેનેડા ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને કશું ક૨તું નથી કેમ કે શીખ મતદારો પર તેમનો પ્રભાવ છે. કેનેડાની ચૂંટણીમાં શીખ મતદારો નિર્ણાયક છે. કેનેડાની ૩.૭૦ કરોડની વસતીમાં ૧૬ લાખ એટલે કે લગભગ ચાર ટકા ભારતીય મૂળનાં લોકોમાંથી અડધા એટલે કે ૭.૭૦ લાખ શીખ છે. કેનેડાના ૩૩૮ સાંસદોમાંથી ૧૮ શીખ છે જ્યારે ૧૫ અન્ય બેઠકો એવી છે કે જ્યાં કોણ જીતશે એ શીખ મતદારો નક્કી કરે છે. કુલ મળીને કેનેડાની સંસદની ૩૩ એટલે કે ૧૦ ટકા બેઠકો પર શીખોનો પ્રભાવ છે. આ કારણે કોઈ પણ રાજકીય પક્ષ શીખ સમુદાયને નારાજ કરવા માગતો નથી. ટ્રુડોની પાર્ટી તો તેમના પિતાના સમયથી સીખોની પ્રિય રહી છે તેથી ટ્રુડો ભારતને નારાજ કરીને પણ શીખોને રાજી રાખવા મથ્યા કરે છે. આ સંજોગોમાં કેનેડા આતંકવાદીઓને કશું કરે એવી આશા ના રાખતા.