નેશનલ

ભારતીયો માટે કેનેડા જોખમી: કેન્દ્રની ચેતવણી

વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સાવચેત રહેવા તાકીદ – દ્વિપક્ષી સંબંધ વધુ વણસ્યા

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા અને ત્યાં જવા માગતા ભારતીયોને ચેતવણી આપતા બુધવારે જણાવ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીયો સામેની પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેથી ત્યાં રહેતા તેમ જ ત્યાં જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ સહિતના દેશના નાગરિકોએ તકેદારી રાખવાની જરૂર છે અને બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઈએ.

કેનેડાના વડા પ્રધાને ખાલિસ્તાનવાદી નેતાની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનું નિવેદન કરતા અને બંને દેશે એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરતા સંબંધ વધુ વણસ્યા છે.

કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષથી ખાલિસ્તાનવાદીઓ દ્વારા હિંદુ મંદિરો પર પણ હુમલા કરાઈ રહ્યા છે.
બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો હોવા વચ્ચે ભારતના વિદેશ ખાતાએ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

કેનેડામાં વધી રહેલી ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને ધિક્કાર ગુનાઓ તેમ જ ગુનાઈત હિંસાને ધ્યાનમાં રાખીને કેનેડા જવા ઈચ્છતા લોકોને ખૂબ જ સાવચેતી રાખવાની વિનંતી કરવામાં આવી છે.
ભારતવિરોધી પ્રવૃત્તિનો વિરોધ કરનાર ભારતીય સમુદાયના અમુક લોકો તેમ જ ભારતીય રાજદૂતોને ખાસ નિશાન બનાવી ધમકીઓ આપવામાં આવી રહી છે.

કેનેડામાં આ પ્રકારની ઘટના જ્યાં વધુ પ્રમાણમાં થતી હોય ત્યાં ન જવાની ભારતીયોને સલાહ આપવામાં આવી છે. કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા અને સલામતી માટે ભારતીય એલચીકચેરી અને ભારતીય રાજદૂતો કેનેડાના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

સુરક્ષાની વણસતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેતી રાખવાની અને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે.

કેનેડામાં રહેતા ભારતીય નાગિરકો અને વિદ્યાર્થીઓને સંબંધિત વૅબસાઈટ અથવા ળફમફમ.લજ્ઞદ.શક્ષ મારફતે ઓટ્ટાવા અને ટૉરન્ટો તેમ જ વાનકુંવરસ્થિત ભારતીય એલચીકચેરીમાં રજિસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે, જેને કારણે કોઈપણ પ્રકારની તાકીદની સ્થિતિ નિર્માણ પામે કે અનિચ્છનીય ઘટના બને તેવા સમયે ભારતીય એલચીકચેરી માટે કેનેડામાં વસતા ભારતીયોનો સંપર્ક કરવાનું વધુ સરળ બનશે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ગુપ્તચર સંસ્થાના એજન્ટનો હાથ હોવાના આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બની ગયા છે. હવે કેનેડાએ ભારત માટે તેની સુધારેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં લખ્યું છે કે સુરક્ષાની સ્થિતિને કારણે લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

કેનેડાની અપડેટ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળો. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની મુસાફરીનો સમાવેશ થતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ નિજ્જર પર હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું.

મંગળવારે કેનેડા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાંસદમાં કહ્યું હતું કે, “કેનેડાની ધરતી પર એક નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. અમે આ હત્યાની તપાસમાં સહયોગ કરવા માટે ભારત સરકાર પર દબાણ કરીશું. કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખોમાં તેમની સુરક્ષા બાબતે ડર છે. દેશમાં ભારતીય મૂળના ૧૪-૧૮ લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખ છે. ત્યાર બાદ કેનેડા સરકારે ટોચના ભારતીય રાજદ્વારીને કેનેડા છોડી દેવા કહ્યું હતું.

ભારત સરકારે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “કેનેડા સરકારે લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા છે. આવા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. જેમને કેનેડામાં સંરક્ષણ આપવામાં આવ્યું છે. તેઓ ભારતની સંપ્રભુતા અને અખંડિતતા માટે ખતરારૂપ છે.”

આ સાથે જ ભારત સરકારે ભારતમાં હાજર કેનેડાના વરિષ્ઠ રાજદ્વારી દેશ છોડી જવા આદેશ આપ્યા હતા. ભારત સરકારે તેમને દેશ છોડવા માટે ૫ દિવસનો સમય આપ્યો હતો.

વડા પ્રધાન ટ્રુડોએ મંગળવારે સાંજે કહ્યું હતું કે કેનેડા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે સંબંધને બાબતે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે તપાસે અને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તેમને ઉશ્કેરવાનો કે આ અંગે વધુ આગળ વધવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ કેનેડા-ભારત વિવાદ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમામ દેશોએ અન્ય દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે યુકે સરકાર કેનેડાની સરકાર સાથે નિયમિત સંપર્કમાં છે. કેનેડાની તપાસ એજન્સીએ આની તપાસ કરવી જોઈએ, તપાસ રિપોર્ટ વિના આ મામલે ટિપ્પણી કરવી યોગ્ય નથી.

બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ કહ્યું હતું કે કેનેડાથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ઘણા શીખો દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો છે જેઓ ચિંતિત છે, ગુસ્સામાં છે અને ડરેલા છે.
અમેરિકાએ એક નિવેદન જાહેર કરીને કેનેડાના આરોપો પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિને વોટસને એક નિવેદનમાં કહ્યું હતું કે, ’અમે વડાપ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ. અમે અમારા કેનેડિયન સાથીદારો સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. મહત્વનું છે કે કેનેડા તપાસને આગળ ધપાવે અને ગુનેગારોને કોર્ટ સમક્ષ લઇ આવે.’
આ બાબતે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા માને છે કે જ્યારે દેશમાં આતંકવાદનો ખતરો હોય ત્યારે આપણામાં એકતા હોવી જોઈએ. ખાસ કરીને એવી ઘટનાઓ કે જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે, કોંગ્રેસ મક્કમતાથી કેન્દ્ર સરકારની સાથે છે.’
ભારતીય એજન્સી એનાઆઈએ નિજ્જરને ભાગેડુ જાહેર કર્યો હતો. નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો પ્રમુખ હતો અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નો મુખ્ય ચહેરો હતો. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ પણ હતો. (એજન્સી)

ખાલિસ્તાન-તરફી ગાયકે ભારતનો પ્રવાસ રદ કર્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર બહિષ્કારની હાકલ કરવામાં આવ્યા બાદ ટિકિટ બુકિંગ ઍપે ખાલિસ્તાનવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવતો હોવાનું મનાતા પંજાબી-કેનેડિયન ગાયક શુભનિતસિંહનો ભારત પ્રવાસ રદ કર્યો હતો.

શુભનિતસિંહ ખાલિસ્તાનવાદી તરફી અને તેનો સમર્થક હોવાનું જણાવી ‘અનઈન્સ્ટોલ’ સંદેશો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. બંને દેશે એકમેકના વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લેતાં વિવાદ વધુ વકર્યો હતો.

આ વર્ષના જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની કરવામાં આવેલી હત્યામાં ભારતનો હાથ હોવાનો કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડેએ આક્ષેપ કર્યો હતો. જોકે, ભારતે આ આક્ષેપ પાયાવિહોણો હોવાનું જણાવી તેને નકારી કાઢ્યો હતો. શુભનિતસિંહના ભારત પ્રવાસનું સ્પોન્સર હતું. (એજન્સી)

અનેક દેશોએ ભારત પરના આક્ષેપોને ‘ગંભીર’ ગણાવ્યા

ન્યૂ યૉર્ક: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફૉર્સના વડા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ‘ભારત સરકારના એજન્ટો’નો હાથ હોવાનું કહેતા કરેલા આક્ષેપને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના દેશોએ ગંભીર ગણાવીને સંબંધિત તપાસમાં સહકાર આપવાની ભારતને સલાહ આપી હતી. આ મામલે તપાસના પ્રયાસને અમેરિકા ટેકો આપે છે અને તપાસમાં સહકાર આપવાની ભારતને સલાહ આપે છે, એમ જણાવતાં અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના કોર્ડિનેટર જૉન કિર્બીએ કહ્યું હતું કે ચોક્કસપણે કેનેડાના વડા પ્રધાન આ આક્ષેપોને મામલે ગંભીર હશે. કેનેડાના વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ચિંતાજનક લેખાવતા ઑસ્ટ્રેલિયાએ આ આક્ષેપોને ગંભીરતા લઈ ભારત સાથે આ મુદ્દો ઊપાડી લીધો છે. આ આક્ષેપો સંબંધિત ચિંતાજનક અહેવાલને મામલે બ્રિટિશ સંસદના સભ્ય પ્રીત કૌર ગિલ અને તનમનજિતસિંહ ધેશીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દો સીધો સરકાર સાથે જ ઊપાડી લેશે. કેનેડાના સાથી દેશ (અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ કોઈનો પક્ષ લેવાની તરફેણમાં ન હોવાનું કેનેડાના પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી) ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button