કેમ્બ્રિજે આ વર્ષનો ‘વર્ડ ઓફ યર’ જાહેર કર્યો: સોશિયલ મીડિયા સાથે છે ગજબ કનેક્શન!

કેમ્બ્રિજ: પોતાનું શબ્દભંડોળ વધારવા માટે વ્યક્તિએ ડિક્શનરીનો સહારો લેવો પડે છે. અંગ્રેજી ભાષાના શબ્દભંડોળ માટે કેમ્બ્રિજ ડિક્શનરી જાણીતી છે. કેમ્બ્રિજ ડિક્શનરી દર વર્ષે ‘વર્ડ ઓફ ધ યર‘ જાહેર કરે છે. વર્ષ 2025 માટે પણ ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો છે. આ શબ્દ કયો છે અને તેનો શું અર્થ થાય છે, આવો જાણીએ.
સોશિયલ મીડિયા સાથે સંકળાયેલો શબ્દ
દર વર્ષની જેમ, પ્રખ્યાત કેમ્બ્રિજ ડિક્શનરીએ વર્ષ 2025 માટે પોતાનો ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કર્યો છે. આ વર્ષે ‘વર્ડ ઓફ ધ યર’નું સન્માન “પેરાસોશિયલ” (Parasocial) શબ્દને મળ્યું છે. આ શબ્દ આજના સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં ઝડપથી વિકસતી એક વિશિષ્ટ ભાવનાત્મક ટેવનું વર્ણન કરે છે.
આપણ વાચો: એન્ડ વર્ડ ઓફ ધ યર ઈઝ…. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કરી ઘોષણા…
‘પેરાસોશિયલ’ એટલે એક એવું એકતરફી જોડાણ છે, જેમાં વ્યક્તિ પોતાની મનપસંદ સેલિબ્રિટીઝ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ, યુટ્યુબર્સ અથવા તો AI ચેટબોટ્સ સાથે ઊંડા અને ભાવનાત્મક સંબંધથી જોડાયેલો રહે છે.
આ સંબંધમાં અનેક રીતે જોડાયેલો હોય છે, પરંતુ આ જોડાણ ફક્ત ફોલો કરનારી વ્યક્તિ તરફથી હોય છે. ફોલો કરનાર વ્યક્તિ એવું માને છે કે તે સેલિબ્રિટીઝને નજીકના મિત્ર તરીકે જાણે છે અને સમજે છે, તેમના સુખ-દુઃખમાં સામેલ છે, જ્યારે વાસ્તવમાં સેલિબ્રિટી કે ઈન્ફ્લુઅન્સરને તેની વાતથી વાકેફ હોતા નથી.
આપણ વાચો: ન્યૂ યોર્કના નવા મેયરના માતા ભારતના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર! જાણો એમના જીવન વિષે
‘પેરાસોશિયલ’ શબ્દનો ઇતિહાસ
સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ અને વ્લોગ્સના કારણે આ ‘પેરાસોશિયલ’ વર્તન નોંધપાત્ર રીતે વધ્યું છે. લાખો લોકો તેમના મનપસંદ પ્રભાવકોની દરેક પોસ્ટ અને અપડેટનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે.
કેમ્બ્રિજ ડિક્શનરીએ અહેવાલ આપ્યો છે કે આ પ્રકારનું એકતરફી ભાવનાત્મક જોડાણ આ વર્ષે એક મુખ્ય સામાજિક કનેક્શન તરીકે ઊભરી આવ્યું છે, જેના કારણે આ શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જોકે ‘પેરાસોશિયલ’ શબ્દ આધુનિક લાગે છે, પરંતુ તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. 1956માં, શિકાગો યુનિવર્સિટીના બે સમાજશાસ્ત્રીઓએ સૌપ્રથમ “પેરાસોશિયલ” શબ્દનો ઉપયોગ કર્યો હતો.
તે સમયે, સંશોધકોએ અવલોકન કર્યું કે ટેલિવિઝન દર્શકો સ્ક્રીન પરની સેલિબ્રિટીઓ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવતા હતા. જેણે પાછળથી “પેરાસોશિયલ રિલેશનશિપ” તરીકે ઓળખ મેળવી હતી. આ જોડાણ આજે સોશિયલ મીડિયાના કારણે વધુ તીવ્ર અને વ્યાપક બન્યું છે.



