PMOના નામ પર કોલ, UN-BRICSના નકલી કાર્ડ; લંપટ ચૈતન્યાંનદ પાસેથી પોલીસને શું શું મળ્યું?

નવી દિલ્હી: દિલ્હી પોલીસે વસંત કુંજ સ્થિત એક પ્રાઈવેટ કોલેજની ૧૭ વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાના આરોપી સ્વયંભૂ બાબા ચૈતન્યાંનદ સરસ્વતી ઉર્ફ પાર્થસારથીની આજે સવારે ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યો હતો. હાલમાં બાબાને વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે અને પોલીસ આજે બપોર બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે.
૨ મહિનાથી ફરાર, રોજ બદલતો હતો ઠેકાણું
પોલીસના જણાવ્યા અનુસાર, ગુપ્ત બાતમીના આધારે દિલ્હી પોલીસની એક ટીમે બાબા ચૈતન્યાંનદને આગ્રામાં શોધી કાઢ્યો હતો. તે છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને આ સમયગાળા દરમિયાન તે યુપીની લગભગ ૧૩ અલગ-અલગ હોટલોમાં રોકાઈ ચૂક્યો હતો. તે મોટે ભાગે મથુરા, વૃંદાવન અને આગ્રામાં રહીને સતત પોતાનું ઠેકાણું બદલી રહ્યો હતો. ડીસીપી (સાઉથ-વેસ્ટ) અમિત ગોયલે જણાવ્યું કે પોલીસે હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને ગઈકાલે રાત્રે તેને પકડવામાં સફળતા મળી હતી.
PMOના નામે કોલ અને નકલી વિઝિટિંગ કાર્ડ
પોલીસને બાબા ચૈતન્યાંનદ સરસ્વતી પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક આઈ-પેડ પણ મળ્યા છે. આ ઉપકરણોમાં તે મોબાઈલ ફોન પણ સામેલ છે, જેના દ્વારા બાબા વિદ્યાર્થિનીઓના વીડિયો અને ગર્લ્સ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજનો એક્સેસ રાખતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, બાબા પીએમઓના નામ પર કોઈ વ્યક્તિ પાસે કોલ કરાવતો હતો. આ ઉપરાંત, પોલીસે તેની પાસેથી નકલી વિઝિટિંગ કાર્ડ્સ પણ જપ્ત કર્યા છે.
એક વિઝિટિંગ કાર્ડમાં તેણે પોતાને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં કાયમી રાજદૂત તરીકે દર્શાવ્યો છે. બીજા વિઝિટિંગ કાર્ડમાં તે પોતાને બ્રિક્સ દેશોના સંયુક્ત આયોગના સભ્ય અને ભારતનો વિશેષ દૂત ગણાવે છે.
વિદ્યાર્થિનીઓને રૂમમાં આવવા માટે કરતો હતો મજબૂર
ચૈતન્યાંનદ સરસ્વતી વિરુદ્ધ નોંધાયેલી FIR મુજબ, તે વિદ્યાર્થિનીઓને મોડી રાત્રે તેના રૂમમાં આવવા માટે મજબૂર કરતો હતો અને તેમને અપમાનજનક સંદેશાઓ મોકલતો હતો. તેના પર પોતાના ફોન દ્વારા વિદ્યાર્થિનીઓની ગતિવિધિઓ પર નજર રાખવાનો પણ આરોપ છે. વધુ તપાસ હાલ ચાલુ છે.
આપણ વાંચો: મહાકુંભ મેળાથી લઈને વિજયની રેલી સુધી: આ વર્ષે સર્જાઈ નાસભાગની 5 દુર્ઘટનાઓ