નેશનલ

‘આખા દેશમાં CAA લાગુ કરતાં અમને કોઈ રોકી શકશે નહીં’ જાણો કોણે આમ કહ્યું

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024 પહેલા, CAAનો મુદ્દો ફરી ચર્ચામાં આવી શકે છે. કોલકાતાની નેશનલ લાઇબ્રેરીમાં રાજ્ય ભાજપના સોશિયલ મીડિયા અને આઇટી યુનિટના સભ્યો વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે સમગ્ર દેશમાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ભાજપની પ્રતિબદ્ધતા છે અને હવે અમને તેને પૂર્ણ કરતા કોઈ રોકી શકશે નહીં. ગૃહ પ્રધાને કહ્યું હતું કે રાજ્યની મમતા બેનરજી સરકાર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. લોકસભા ચૂંટણીની તૈયારી માટે શાહ મંગળવારે કોલકાતામાં હતા. તેમણે પાર્ટીના અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પશ્ચિમ બંગાળમાં CAAના અમલને લઈને અમિત શાહના નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે CAA હજુ પણ પાર્ટીની પ્રાથમિકતા છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં તે મહત્વનો મુદ્દો હશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાના નિર્દેશ આપતાં તેમણે કહ્યું કે, રાજ્યની 42માંથી 35 બેઠકો ભાજપ જીતવા જઈ રહી છે. ભાજપ બંગાળમાં સતત સક્રિયતા જાળવી રહ્યું છે અને સંગઠનને મજબૂત કરવામાં પણ વ્યસ્ત છે.


2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 18 સીટો જીતી હતી. ઇન્ડિયા ગઠબંધનને ધ્યાનમાં રાખીને, ભાજપે રાજ્યમાં તેની સક્રિયતા વધારી દીધી છે અને અમિત શાહે આ ચૂંટણી માટે રાજ્યમાં 35 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. પાર્ટીની બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર લોકસભા ચૂંટણીમાં જ નહીં પરંતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની સરકાર બનાવવાનું કામ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં ભાજપ સરકારનો અર્થ ‘ગાયની દાણચોરીનો અંત લાવવો અને CAA દ્વારા ધાર્મિક આધાર પર અત્યાચારનો ભોગ બનેલાઓને નાગરિકતા આપવી.’


અમિત શાહે રાજ્યની મમતા બેનરજી સરકાર પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે CAA કાયદા અંગે શરણાર્થીઓ અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ‘હું બધાને કહેવા માંગુ છું કે આ કાયદો અમલમાં રહેશે,’ એમ અમિત શાહે જણાવ્યું હતું. નોંધનીય છે કે ટીએમસી અને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો CAAની વિરુદ્ધ છે. આ અંગે દેશના અલગ-અલગ ભાગોમાં દેખાવો થયા છે, પરંતુ ભાજપે કહ્યું છે કે આ કાયદો લાગુ કરવો એ પાર્ટીની પ્રાથમિકતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button