ફરી જામશે જંગઃ આ સાત રાજ્યની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી

નવી દિલ્હીઃ હજુ તો નવી કેન્દ્રીય સરકાર બન્યાને એક મહિનો નથી થયો ત્યાં ફરી ચૂંટણીનું ઢમઢમ વાગશે અને ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જંગ જામશે. ત્રણ દિવસ બાદ 10મી જુલાઈએ સાત રાજ્યની 13 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળની બેઠકોનો પણ સમાવેશ થતો હોવાથી રાજકીય વાતાવરણ ગરમ રહેશે.
10 જુલાઈએ 13 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
લોકસભા ચૂંટણી 2024 બાદ ફરી એકવાર સત્તાધારી NDA ગઠબંધન અને વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિયા ગઠબંધન વિધાનસભા પેટાચૂંટણીમાં આમને-સામને છે. સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે.
સામાન્ય રીતે રાજકીય પક્ષો પેટાચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવતા નથી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં નજીકના મુકાબલો બાદ વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ રસપ્રદ બની છે અને બંને ગઠબંધન એ સાબિત કરવા માંગે છે કે જનતા તેમની સાથે છે.
આ પણ વાંચો: UP 10 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં તીવ્ર હરિફાઇ થવાની સંભાવના
અમુક બેઠકો પર લોકસપ્રતિનિધિનું નિધન થયું હોવાથી તો અમુક બેઠકના વિધાનસભ્યએ પક્ષ બદલ્યો હોવાથી રાજીનામું ધરી દેતા આ બેઠકો ખાલી પડી છે. સાત રાજ્યોની જે 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ચાર બેઠકો પશ્ચિમ બંગાળની પણ છે. આ બેઠકો પર મમતાની તૃણમુલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે.
આ બેઠકો પર યોજાઈ રહી છે ચૂંટણી
બિહાર- રૂપૌલી
પશ્ચિમ બંગાળ- રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગદાહ, માણિકતલા
તમિલનાડુ- વિકરાવંડી
મધ્ય પ્રદેશ- અમરવાડા
ઉત્તરાખંડ- બદ્રીનાથ, મેંગલોર
પંજાબ- જલંધર પશ્ચિમ, દેહરા
હિમાચલ પ્રદેશ- હમીરપુર, નાલાગઢ