આ કરવાથી તમે ફાસ્ટેગમાં 7 હજાર રૂપિયા બચાવી શકશો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ યોજનાની જાહેરાત કરી, જેનાથી નાગરિકોના ટોલ ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. આ પાસ ફરજિયાત નથી, પરંતુ નિયમિત મુસાફરી કરનારાઓ માટે લાભદાયી રહેશે.
શું લાભ થશે?
નિતિન ગડકરીએ જણાવ્યું કે રૂ. 3000ના વાર્ષિક પાસથી 200 ટોલ ક્રોસિંગની સુવિધા મળશે, એટલે એક ક્રોસિંગનો ખર્ચ ફક્ત રૂ. 15. ઉદાહરણ તરીકે, જો એક ટોલ પર રૂ. 50 લાગે, તો 200 ક્રોસિંગ માટે રૂ. 10,000 ખર્ચ થાય, પરંતુ આ પાસથી ગ્રાહક સીધ્ધા રૂ. 7000ની બચત કરી શકશે. આ પાસ ફક્ત ખાનગી નોન-કોમર્શિયલ વાહનો જેવા કે કાર, જીપ અને વેન માટે છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) તથા એક્સપ્રેસવે (NE) પર માન્ય રહેશે.
પાસની પાત્રતા અને અરજી
આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે છે. જો તેનો ઉપયોગ વાણિજ્યિક વાહનોમાં થશે, તો તે તુરંત નિષ્ક્રિય થઈ જશે. જેમની પાસે ફાસ્ટેગ છે, તેમણે નવું ફાસ્ટેગ ખરીદવાની જરૂર નથી. અત્યારના સમયમાં જે ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા છો, એ ફાસ્ટેગ પર આ સુવિધા સક્રિય કરવાનો વિકલ્પ મળી રહેશે. આપને જણાવી દઈએ કે આ સુવિધાનો લાભ એ વાહનમાલિક લઈ શકશે, જે વાહનની નોંધણી કરેલી હોવી જોઈએ સાથે બ્લેકલિસ્ટ ન હોવું જોઈએ. અરજી માટે ટૂંક સમયમાં NHAI, રાજમાર્ગ મંત્રાલયની વેબસાઈટ અને રાજમાર્ગ યાત્રા એપ પર લિંક ઉપલબ્ધ થશે.
આપણ વાંચો: યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, ઓપરેશ સિંધુ યથાવત્
વર્તમાન વ્યવસ્થા અને લાભ
હાલમાં, ચોક્કસ ટોલ પ્લાઝા માટે માસિક પાસ રૂ. 340 અને વાર્ષિક પાસ રૂ. 4080માં મળે છે, જે માટે દસ્તાવેજો અને સરનામું ચકાસણી જરૂરી છે. નવો વાર્ષિક પાસ આ વ્યવસ્થા આર્થિક રીતે વધુ સરળ બનાવે છે. આ યોજના નિયમિત મુસાફરો માટે ખર્ચ ઘટાડશે અને ફાસ્ટેગના ઉપયોગને પ્રોત્સાહન આપશે, જે ટોલ પર ઝડપી લેવડદેવડની સુવિધા આપે છે.