
એવું કહેવાય છે કે જો તમારા ઈરાદા મજબૂત હોય તો કોઈ પણ મંઝિલ મેળવવી અઘરી નથી અને જમ્મુ કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામના 34 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈને આ ઉક્તિને એકદમ યથાર્થ કરી દેખાડી છે. તમને જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં જ દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો હતો અને આ વીડિયો જોઈને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આમિરને મદદ કરવાની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં ગૌતમ અદાણીએ લખ્યું હતું કે આમિરની આ ભાવુક કરી દેનારી વાર્તા ખરેખર અદ્ભૂત છે. અમે તમારી હિંમત, રમત પ્રત્યેની એની ઈમાનદારી અને ક્યારેય હાર નહીં માનવાની વૃત્તિને નમન કરીએ છીએ. અદાણી ફાઉન્ડેશન ટૂંક સમયમાં જ તમને સંપર્ક કરીને આ સુંદર સફરમાં તમને શક્ય એટલી મદદ કરશે. તમારો સંઘર્ષ અમારા માટે પ્રેરણા છે.

આ પોસ્ટ કર્યાના અમુક જ દિવસ બાદ જ આમિર હુસૈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો. હુસૈને પોતાની પોસ્ટમાં ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપને મદદ માટે આગળ આવવા બદ્દલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તમારો આભારી ગૌતમ અદાણી મહોદય, પ્રીતિ ગૌતમ અદાણી મેમ, મારી ક્રિકેટની સફરને ઓળખવા માટે. તમારું સમર્થન મારા પરિવાર માટે સમ્માનની વાત છે. અદાણી ગ્રુપની સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના. તમારા અવિશ્વસનીય સમર્થન માટે ધન્યવાદ.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ આમિર હુસૈન લોન હાલમાં જમ્મુ કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન છે. આમિરે બાળપણમાં જ પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ તેમ છતાં ક્રિકેટ રમવાની પોતાની હોંશને મરવા નહીં દીધી. બંને હાથ ન હોવા છતાં પણ દમદાર ગેમથી તેણે બધાને ચોંકાવી દીધા છે. આખી દુનિયા એના જુસ્સા અને જોશને સલામ કરી રહી છે.
આમિર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વીડિયો અને ફોટો શેર કરતાં હોય છે, જેમાં તેની બેટિંગ જોઈને તમે પણ આશ્ચર્યચકિત રહી જાય છે. બાળપણમાં આમિરે એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દીધી હતા, પણ જીવન પ્રત્યેના પોતાના સકારાત્મક અભિગમને કારણે આમિર આજે પોતાના ધાર્યા મુકામ પર પહોંચી શક્યો છે.