ધોલેરા સ્માર્ટ સિટીના નામે વેપારીને ₹14.71 કરોડનો ચૂનો! ઊંચા વળતરની લાલચ ભારે પડી

લુધિયાણા: ગુજરાતના મહત્વાકાંક્ષી ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રોકાણ કરાવવાના નામે લુધિયાણાના એક વ્યક્તિએ રીઅલ એસ્ટેટ વેપારી સાથે લગભગ ₹14.71 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર મચી જવા ગઈ હતી. આ છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદી ગગનદીપ સિંહ (રહે. ખન્ના) છે, જેઓ રીઅલ એસ્ટેટ ફર્મ ચલાવે છે. તેમણે લુધિયાણાના બસંત વિહારના રહેવાસી રાજેન્દ્ર કુમાર ઉર્ફે ડૉક્ટર પર ઊંચા વળતર અને સરકારી મંજૂર જમીન સોદાનું વચન આપીને એક મસમોટું કૌભાંડ આચરવાનો આરોપ મૂક્યો છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીએ જણાવ્યું હતું કે ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન, રાજેન્દ્ર કુમારે તેમને અને તેમના રોકાણકારોને ધોલેરા, અમદાવાદમાં જમીનના રોકાણ કરવા માટે કહ્યું હતું. આરોપીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે આ વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. મહિને 2 ટકા અને 6 ટકા કમિશનનું વચન આપીને ખાતરી આપી હતી કે જમીનના પ્લોટ એન.એ. સર્ટિફિકેટ્સ, એન.ઓ.સી., ક્લિયર ટાઇટલ્સ અને રેરા મંજૂરીઓ સાથે આવે છે. ‘પુરાવા’ તરીકે વોટ્સએપ ચેટ્સ અને દસ્તાવેજોની આપલે પણ કરવામાં આવી હતી.
ફરિયાદીએ વિશ્વાસ રાખીને પોતાના અંગત પૈસા તેમજ અન્ય રોકાણકારો પાસેથી પણ પૈસા એકઠા કર્યા હતા. તેમણે આરોપીના બેંક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને લુધિયાણામાં વિવિધ સ્થળોએ કરોડોની રકમ રોકડમાં પણ આપી હતી. જોકે, જ્યારે ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૨૪માં પ્લોટનો કબજો, મ્યુટેશન અને માપણી કરાવવા દબાણ કર્યું હતું, ત્યારે આરોપીએ તેમને મળવાનું બંધ કરી દીધું હતું. ગુજરાતના મહેસૂલ વિભાગ સાથે ચકાસણી કરતાં ખબર પડી કે તમામ દસ્તાવેજો નકલી હતા અને જમીન ખરેખર ખાનગી રીઅલ એસ્ટેટ કંપનીઓના નામે નોંધાયેલી હતી.
પોલીસે ગગનદીપ સિંહની ફરિયાદના આધારે રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭ સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. તપાસ કરી રહેલા એએસઆઈ અમોલ સિંહે જણાવ્યું હતું કે કુલ ₹14.71 કરોડની રકમની છેતરપિંડી થઈ છે અને ગુજરાતમાં નાણાકીય રેકોર્ડ્સ તેમજ મિલકત રજિસ્ટ્રીની ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: અભિનેતા વિજય પર છાત્ર સંઘ ભડક્યું, કરૂરમાં લગાવ્યા ભયાનક પોસ્ટરો