ક્યા ઉદ્યોગપતિ અને અભિનેતાને બિશ્નોઈ ગેંગનો સાગરિત મારવા આવ્યો તો?

મુંબઈઃ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અમદાવાદની જેલમાં હોવા છતાં તેની ગેંગ દહેશત ફેલાવવાની કોશિશ કરતી રહે છે. સલમાન ખાનના ઘરે ગોળીબાર અને રાજકારણી બાબા સિદ્દીકીના હત્યા બાદ હવે ફરી તેની ગેંગે મુંબઈમાં દહેશત ફેલાવવાનો પ્લાન તો બનાવ્યો હતો, પરંતુ મુંબઈ પોલીસે તેને ફેલ કરી નાખ્યો છે.
મળતી માહિતી અનસાર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં બિશ્નોઈ ગેંગના પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી સાત પિસ્તોલ અને 21 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મુંબઈના એક ઉદ્યોગપતિ અને અભિનેતાને આરોપીઓએ નિશાન બનાવ્યા હતા. આરોપીએ ફિલ્મના પ્રિમિયર વખતે અભિનેતા પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ તે પહેલા મુંબઈ પોલીસે તેમને દબોચી લીધા છે.
મુંબઈ પોલીસની ખંડણી વિરોધી ટુકડીએ અંધેરીમાંથી કુખ્યાત બિશ્નોઈ ગેંગના પાંચ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને મોટા ગેંગસ્ટરના ઈશારે મુંબઈમાં એક વ્યક્તિની હત્યા કરવાની સોપારી મળી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.
આ પણ વાંચો : હરણના માંસ અંગેના આરોપો એટલા માટે લગાવવામાં આવ્યા કે બિશ્નોઈ ગેંગ મને નિશાન બનાવે: ભાજપના વિધાનસભ્ય…
ખબરીઓ દ્વારા મળેલી ખબરના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ પાંચેય લોકોની અંધેરીની પ્લેટિનમ હોટલ નજીકથી ધરપકડ કરી હતી. આ ટોળકીએ રમઝાન ઈદ પર હુમલાની યોજના બનાવી હતી. પરંતુ મુંબઈ પોલીસે આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. ક્રેકડાઉન બાદ હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટીઓની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે તેઓ આ કેસમાં કેટલાક વધુ લોકોને શોધી રહ્યા છે.
તમામ આરોપીઓ હરિયાણા, બિહાર અને રાજસ્થાનના છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ વિકાસ ઠાકુર ઉર્ફે વિકી, સુમીત કુમાર દિલાવર, શ્રેયસ યાદવ, દેવેન્દ્ર સક્સેના, વિવેક કુમાર ગુપ્તા છે. સુમીત કુમાર વિરુદ્ધ પહેલાથી જ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના કેસ નોંધાયેલા છે. વિકાસ ઠાકુર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ હવે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Surat: લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં નામે વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગ…
જોકે આ ગેંગ ક્યા ઉદ્યોગપતિ અને અભિનેતાને મારવા આવી હતી, તેમને સોપારી કોણે આપી વગેરે અંગે કોઈ માહિતી નથી. મુંબઈ સેંકડો ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓનું ઘર છે. શહેરની સુરક્ષા જોખમાઈ તે મહારાષ્ટ્ર અને દેશ માટે ગંભીર સાબિત થઈ શકે તેમ છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે, છતાં ગુનેગારો હિંમત કરી જતા હોય છે.