તહેવારો ટાણે ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો…
એક સામાન્ય ગણિત છે કે જે વસ્તુની ડિમાન્ડ હોય અને તેની સપ્લાય ઘટે તો ભાવમાં વધારો થાય. કંઇક એવી જ હાલત હાલમાં તેલિબિયા બજારની છે. બજારોમાં સરસવ અને સોયાબીન સહિતના ખાધ તેલની ઓછી આવકને કારણે ભાવમાં વધારો થયો છે. જોકે, નવો પાક આવવાની અટકળો વચ્ચે સીંગતેલ અને અન્ય તેલિબિયાના ભાવમાં આંશિક ઘટાડો પણ જોવા મળ્યો હતો.
તેલિબિયા બજારમાં સરસવના તેલની આવક ઘટીને એક લાખ થેલી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સોયાબીનની આવકમાં પણ એક લાખ પાંચ હજાર બોરીનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત દેશભરમાં હવે તહેવારોની સિઝનની ખરીદી થઇ રહી હોવાથી તેલ અને તેલીબિયાંના ભાવમાં થોડી મજબૂતી આવી છે.
કપાસિયાના તેલની વાત કરીએ તો ખરીફ કપાસના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડો થયો છે. બજારમાં નકલી કપાસિયાના કેકનું ધૂમ વેચાણ થતું હોવાથી ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે અને તેમનું ઉત્પાદન ઘટાડી રહ્યા છે. આ સ્થિતિથી બચવા માટે નકલી કપાસિયા કેકનું વેચાણ અટકે તેવા સરકારે પ્રયાસો કરવા જોઇએ, એમ ટ્રેડ પંડિતોએ જણાવ્યું હતું અને સૂચન કર્યું હતું કે કપાસિયાની ખેતી માટે લાયસન્સ સિસ્ટમ કરવી જોઈએ. આ ઉપરાંત આ કપાસિયા કેક પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પણ લાદવો જોઈએ, કારણ કે હાલમાં આ વ્યવસાયને પર જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે, જેના કારણે નકલી કપાસિયા કેકનો ધંધો ફૂલીફાલી રહ્યો છે.