Nepalમાં બસ અકસ્માતઃ પીડિતોને Maharashtraમાં લાવવા સરકાર સક્રિય, મૃતકની સંખ્યા વધી
નવી દિલ્હી/મુંબઈઃ નેપાળના તનહુ જિલ્લાના આઈના પહાડામાં એક બસ અકસ્માત સર્જાયો હતો. ભારતીય દૂતાવાસના જણાવ્યા મુજબ એક ભારતીય પ્રવાસી બસ હાઇ-વેથી લગભગ ૧૫૦ મીટર નીચે મર્સ્યાંગદી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં મૃતકની સંખ્યા વધીને 18 થઈ છે, જ્યારે 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં પીડિત લોકો મહારાષ્ટ્રના વતની હોવાનું જાણવા મળ્યું છે. હજુ આઠ લોકો ગુમ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ અકસ્માત અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ મધ્ય નેપાળમાં નદીમાં પડી ગયેલી બસમાં સવાર મુસાફરો રાજ્યના જળગાંવ જિલ્લાના હતા અને તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. ફડણવીસે અકસ્માતમાં મૃતક લોકો અંગે શોક વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે.
બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત ૪૩ લોકો સવાર હતા. ટૂરિસ્ટ બસ પોખરાના રિસોર્ટથી કાઠમંડુ તરફ જઈ રહી હતી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું કે નેપાળની મુલાકાતે ગયેલા તમામ લોકો મહારાષ્ટ્રના ભુસાવળના ધરણગાંવ વિસ્તારના રહેવાસી હતા. બધા ગોરખપુરથી બસ દ્વારા રવાના થયા હતા.
દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર સંબંધિત અધિકારીઓ અને નેપાળના દૂતાવાસના સંપર્કમાં છે. ભુસાવળના વિધાનસભ્ય સંજય સાવકરે અને ભાજપના જિલ્લા અધ્યક્ષ અમોલ જાવલે નેપાળ જવા રવાના થઈ ગયા છે. તેઓ નેપાળ જશે અને વ્યવસ્થા સંભાળશે. સ્થાનિક મીડિયા અનુસાર, નેપાળ આર્મીનું એમઆઈ ૧૭ હેલિકોપ્ટર તબીબી ટીમ સાથે બચાવ માટે તનહુ જિલ્લાના અંબુ ખૈરેની ખાતે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યું છે.
પોખરાના ગંડકી પ્રાંત પોલીસ કાર્યાલયે જણાવ્યું છે કે ડુંગરાળ વિસ્તારના કારણે અને છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને નેપાળની નદીઓમાં ભારે પ્રવાહ છે. જેના કારણે કાટમાળ જોવાનું મુશ્કેલ બન્યું છે.
Also Read –