‘ડ્રગ્સ માફિયાઓ’ સામે પંજાબ સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી, હરભજન સિંહે ઝંપલાવ્યું પણ ખરું અને ફેરવી તોળ્યું…

ચંદીગઢ: છેલ્લા ઘણા વર્ષોથી પંજાબમાં ડ્રગ્સનું દૂષણ યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યું છે, પંજાબ ‘ડ્રગ્સ કેપિટલ’ તરીકે પણ બદનામ છે ત્યારે પંજાબની ભગવંત માનની સરકાર ડ્રગ્સ માફિયાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ સરકારે કેટલાક ડ્રગ્સ પેડલરોના ઘરો પર બુલડોઝર ચાલાવી (Bulldozer Action in Punjab) દીધું હતું. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે (Harbhajan Singh) રાજ્ય સરકારની બુલડોઝર કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હરભજન સિંહે જણાવ્યું કે કોઈનું ઘર તોડી પાડવું યોગ્ય નથી.
પૂર્વ ક્રિકેટર અને રાજકારણી એવા હરભજન સિંહ આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ છે, પાર્ટીના જ સાંસદ અને દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ પંજાબ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા નવો વિવાદ ઉભો થયો હતો. હરભજનના નિવેદનથી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે, જોકે ત્યાર બાદ હરભજન સિંહે આ બાબતે સ્પષ્ટતા કરી હતી અને પંજાબ સરકારને સમર્થન આપ્યું હતું. 28 ફેબ્રુઆરીના રોજ ‘યુદ્ધ નાશિયન વિરુદ્ધ’ (ડ્રગ્સ સામે યુદ્ધ) અભિયાન શરૂ કર્યા પછી, પંજાબ સરકારે ડ્રગ્સ સાથે જોડાયેલા બે ડઝનથી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા છે.
હરભજને અગાઉ શું કહ્યું હતું?
અગાઉ, હરભજન સિંહે કહ્યું હતું કે જો કોઈ ડ્રગ્સનું સેવન કરે છે તો તેને સમજાવવાની કોશિશ કરવી જોઈએ કે ડ્રગ્સ કેવી રીતે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યાં એક પરિવાર એક છત નીચે રહે છે, એ ઘરને તોડી પડવું યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે જો કોઈ સરકારી જમીન પર કબજો કરી બેઠું હોય હોય તો સરકાર તેને ગમે ત્યારે હટાવી શકે છે. સોશિયલ મીડિયા પર હરભજનની ટીકા કરવામાં આવી હતી. કાયદાનું રક્ષણ મેળવીને જે રીતે પોતાને લોકો નિર્દોષ માની રહ્યા છે, પરંતુ છાશવારે તો સમાજને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું યૂઝરે લખ્યું હતું.
સોમનાથ ભારતીએ નારાજગી વ્યક્ત કરી
AAP નેતા સોમનાથ ભારતીએ હરભજન સિંહના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “અમે પંજાબને ડ્રગ્સની સમસ્યામાંથી મુક્ત કરી રહ્યા છીએ. પંજાબ સરકાર દ્વારા પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહીની આવકારવી જોઈએ. તેઓ (હરભજન સિંહ) યુવાનોના આદર્શ છે, તેઓ દેશના હીરો રહ્યા છે અને રાજ્યસભાના સાંસદ છે.”
સોમનાથ ભારતીએ કહ્યું હતું કે તેમણે એવા પ્રશ્નો ન પૂછવા જોઈએ જેનાથી મર્યાદાનું ઉલંઘન થાય અને મર્યાદાએ એ છે કે તેમણે પાર્ટીથી અલગ ન બોલવું જોઈએ. સોમનાથ ભારતીએ કહ્યું કે ભગવંત માનના ડ્રગ્સના વ્યસન સામેના અભિયાનના ખૂબ જ સકારાત્મક પરિણામો આવશે.
વિવાદ થતા હરભજન સિંહે સ્પષ્ટતા કરી
વિવાદ ઉભો થતાં હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. પંજાબમાં ડ્રગ્સ માફિયા સામે આટલી કડક કાર્યવાહી કરનારી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પહેલી સરકાર છે. હું પંજાબ પોલીસ અને સરકારના સંપૂર્ણ સમર્થનમાં છું. આખરે આપણી પાસે એવી સરકાર છે જે ડ્રગ્સનું દુષણ નાબૂદ કરવા માટે ગંભીર છે અને સ્પષ્ટ સંદેશ આપે છે. ડ્રગ્સ સામેની આ લડાઈ આપણે સાથે મળીને જીતીશું. ચાલો આપણે આપણા મહાન રાજ્યને કોઈ પણ વ્યસનથી મુક્ત કરીએ.
સુપ્રીમ કોર્ટની લાલ આંખ છતાં કાર્યવાહી
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં કેટલાક ગુના સાથે સંકળાયેલા આરોપીના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેની વ્યાપક ટીકા કરવામાં આવી હતી. રાજ્ય સરકારો આરોપીઓ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવાના ઈરાદે આવી કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: પીને વાલે કો: કર્ણાટકમાં MLA એ કરી જબરી માંગ, દર સપ્તાહે દારૂ પીનારા પુરુષને આપો બે બોટલ…
સુપ્રીમ કોર્ટે પણ બુલડોઝર કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી અને આવી કાર્યવાહી કરવા બદલ રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી હતી. અનેક પ્રસંગે ઘણા નિર્દોષ લોકો પણ બુલડોઝર કાર્યવાહીનો ભોગ બન્યાના બનાવ બન્યા છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે તોડી પાડેલા ઘરો ફરી બાંધી આપવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની લાલ આંખ છતાં રાજ્ય સરકારો દ્વારા આવી કાર્યવાહી સતત કરવામાં કરી રહી છે. સુપ્રીમ કોર્ટ કાયદો હાથમાં લેવાની મનાઈ છતાં કાયદાનું રક્ષણ મેળવીને લોકો લોકશાહીનો દુરુપયોગ કરે છે એ ક્યાંનો ન્યાય છે એના અંગે પણ સમાજશાસ્ત્રીઓએ ગંભીર સવાલ કર્યાં હતા.