નેશનલ

મહામારી કે કોઈ રહસ્યમય બીમારી: 17 લોકોના મોત બાદ કાશ્મીરના એક ગામને ‘કન્ટેનમેન્ટ ઝોન’ જાહેર કર્યું

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક ગામમાં 17 લોકોના રહસ્યમયી રીતે મોત થયા છે. આ મોતના કારણ હજી સુધી જાણી શકાયા નથી. રાજૌરીના જિલ્લા મેજિસ્ટ્રેટે બુધલ ગામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને કોઇ પણ શંભવિત સમસ્યાને ફેલાતી રોકવા માટે પગલું ભરવામાં આવ્યું છે.

કંટેનમેન્ટ ઝોન જાહેર થયા બાદ બુધલ ગામમાં કોઇ પણ લોકો જાહેર અથવા ખાનગી સમારોહનું આયોજન નહીં કરી શકે તેમ જ તેો કોઇ પણ કાર્યક્રમમાં ભાગ પણ નહીં લઇ શકે. જિલ્લા મેજિસ્ટ્રેટે એમ પણ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 17 લોકો ત્રણ અલગ અલગ પરિવારના છે. હાલમાં ગામનો એક વ્યક્તિ આ બીમારીથી પીડિત છે અને તેની હાલત ગંભીર છે. હાલમાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે.

કન્ટેઇનમેન્ટ પ્લાન હેઠળ ગામને ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું છે. પહેલા ઝોનમાં એ પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે, જેમના ઘરમાં આ રહસ્યમયી બીમારીને કારણે મૃત્યુ થયા છે. બીજા ઝોનમાં એ પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ મૃતકના પરિવારના કોઇ પણ વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ લોકો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ત્રીજો ઝોન પણ બનાવવામાં આવ્યો છે, એમાં એ પરિવારોને રાખવામાં આવ્યા છે જેઓ પહેલા અને બીજા ઝોનમાં આવતા નથી.

આ પણ વાંચો: રહસ્યમય બીમારીનું સંક્રમણ વધ્યુંઃ ભારતે સરકારે સરકારી હોસ્પિટલ્સને કરી આ અપીલ

આ ત્રણે ઝોનમાં રહેવાવાળા લોકોને ભોજન અને પાણીની દેખરેખ માટે કામદારો તેનાત કરવામાં આવ્યા છે. આદેશનું પૂર્ણપણે પાલન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે.

આ રહસ્યમયી રોગને કારણે જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પરિવારના ઘરોને સીલ કરવાની પ્રવૃતિ ચાલી રહી છે. તેમના ઘરમાં ત્યાર બાદ કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. ઘર સીલ કર્યાબાદ માત્ર અધિકૃત અધિકારીઓ જ તેમના ઘરમાં પ્રવેશ કરી શકશે.

મેજિસ્ટ્રેટના આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કન્ટેઇનમેન્ટ ઝોનના પરિવારોએ માત્ર તે જ ખોરાક અને પાણીનો ઉપયોગ કરવાનો રહેશે જે વહીવટી તંત્ર દ્વારા તેમને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સંક્રમિત ઘરોની ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ હાલમાં આ ગામની મુલાકાત લીધી હતી.

એમ જાણવા મળ્યું છે કે 8 ડિસેમ્બરથી આ ગામમાં રહસ્યમયી રીતે લોકોના મોત થવા માંડ્યા છે. છેલ્લુ મોત 17 જાન્યુઆરીના રોજ થયું હતું. ગામના લોકોએ જણાવ્યુ હતું કે કોઇ રહસ્યમય રોગને કારણે લોકોના મોત થઇ રહ્યા છે. દેશની વિવિધ લેબમાં તેમના નમૂના ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓના વિશ્લેષણમાં વાયરલ કે બેક્ટેરિયલ ચેપની પુષ્ટિ થઇ નથી, પણ તેમના સેમ્પલમાંથી કેટલાક ઝેરી પદાર્થ મળી આવ્યા છે, જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button