બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત
નવી દિલ્હી: લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, “કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે, હું વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકું છું.” સરકારે Trastuzumab Deruxtecan, Osimertinib અને Durvalumab પરની કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
તેમણે મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ સ્થાનિક ક્ષમતા વધારા સાથે ગતિ જાળવી રાખવા માટે એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (Basic Customs Duty )માં ફેરફારની પણ દરખાસ્ત કરી હતી.
“ગ્રાહકોના હિતોને ટોચ પર”
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કસ્ટમ ડ્યુટી માટેની મારી દરખાસ્તોનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા, સ્થાનિક મૂલ્ય વધારાને પ્રોત્સાહન આપવા, નિકાસ-સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને કરવેરા સરળ બનાવવાનો છે. આ સાથે, સામાન્ય જનતા અને ગ્રાહકોના હિતોને ટોચ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર અને દેશવાસીઓનું દિલ જીતનારું બજેટ
“….. આવકારદાયક પગલું”
FICCI હેલ્થ સર્વિસ કમિટીના ચેરમેન અને હર્ષ મહાજને જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માટે ત્રણ લાઈવ સેવિંગ દવાઓ પર કસ્ટમ ડ્યૂટીમાં આપવામાં આવેલી મુક્તિ આવકારદાયક પગલું છે.
એક હોસ્પિટલના મુખ્ય નિર્દેશક અને ન્યુરોલોજીના વડા પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે કેન્સરની ત્રણ દવાઓ પર કસ્ટમ ડ્યૂટીમાં મુક્તિ અને એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર જેવી કેટલીક મેડિકલ ટેક્નોલોજી પરની ડ્યૂટીમાં ઘટાડો સ્વાસ્થ્ય સેક્ટરમાં સ્થાનિક ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફનું એક મોટું પગલું છે. તેમણે કહ્યું, “આ પગલાં અપેક્ષા કરતા ઘણા ઓછા હોવા છતાં, તેઓ અદ્યતન કેન્સરની સારવારને વધુ સસ્તી અને સુલભ બનાવશે.”