બજેટઃ શહેરી વિકાસ માટે માસ્ટર પ્લાન, રૂ. 5,000 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે એક મોટા પગલાંની જાહેરાત કરી છે. જે અંતર્ગત શહેરી આર્થિક ક્ષેત્રો(સીઇઆર)ના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે ‘ચેલેન્જ મોડ’ના માધ્યમથી તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષમાં દરેક ક્ષેત્ર માટે ૫૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
નાણાં પ્રધાને લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરતાં શહેરોને ભારતના વિકાસ, નવીનતા અને તકોના એન્જિન તરીકે વર્ણવતાં કહ્યું કે આ નવી પહેલ ટાયર ટુ અને ટાયર થ્રી શહેરો તેમજ મંદિર શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેને આધુનિક માળખાગત સુવિધાઓ અને સારી મૂળભૂત સુવિધાઓની જરૂર છે.
તેમણે કહ્યું કે બજેટનો ઉદ્દેશ્ય શહેરોના ચોક્કસ વિકાસ ચાલકોના આધારે સીઇઆરનું મેપિંગ કરીને તેમની આર્થિક શક્તિને વધુ વધારવાનો છે. સીતારમણે કહ્યું કે સુધારા-સહ-પરિણામ આધારિત ધિરાણ પદ્ધતિ સાથે ચેલેન્જ મોડ દ્વારા તેમની યોજનાઓને લાગૂ કરવા માટે પાંચ વર્ષમાં પ્રતિ સીઇઆર ૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ છે.
સીતારમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં તેમની સરકારે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટાપાયે ઉત્તમ બનાવવા માટે ઘણી પહેલ કરી છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જેવા નવા ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એનઆઇઆઇએફ અને એનએબીએફઆઇડી જેવી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સરકાર ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો(ટાયર ટુ અને ટાયર થ્રી)માં માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. જે વિકાસ કેન્દ્રો બની ગયા છે.



