Top Newsનેશનલ

બજેટ 2026: આગામી 10 વર્ષમાં 120 નવા શહેરમાં શરૂ થશે હવાઈ સેવા, જાણો ‘UDAN’ યોજનાનો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2026માં ઉડાન (UDAN) યોજના પણ ખાસ ધ્યાન આપ્યું છે. નાણા પ્રધાને જાહેરાત કરી છે કે આગામી 10 વર્ષમાં 120 શહેરમાં હવાઇ સેવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના શહેર અને દૂર-દરાજ આવેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. ઉડાન (UDAN) યોજનાનો મુખ્ય હેતું સામાન્ય લોકો પણ હવાઈ સેવાનો લાભ લઈ શકે તે માટે કામ કરવાનો છે. આગામી 10 વર્ષમાં ભારતમાં હવાઈ ક્ષેત્રનો નકશો સંપૂર્ણ રીતે બદલાઈ જવાનો છે.

આગામી 10 વર્ષમાં 120 શહેરોમાં હવાઇ સેવાની શરૂ કરાશે

હવાઇ મુસાફરી માત્ર મોટા શહેરો સુધી સીમિત ન રહે અને નાના શહેરો, પર્વતીય વિસ્તારો, દૂર આવેલા જિલ્લાઓ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં પણ હવાઈ સેવા પહોંચે તેના પર કામ કરવાનો છે. બજેટ 2026ના દસ્તાવેજ પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી 10 વર્ષમાં આ યોજના દ્વારા લગભગ 4 કરોડ મુસાફરને વહન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. અત્યાર સુધીમાં જ્યા હવાઈ સેવા ન હતી અથવા ઓછી હતી તેવા એરપોર્ટ પરથી નિયમિત રીતે ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે.

તબીબી મુસાફરી અને સ્થાનિક ઉદ્યોગોને વધારે લાભ મળશે

‘ઉડાન’ અંતર્ગત ખાસ કરીને રનવે અપગ્રેડ, ટર્મિનલ સુવિધાઓ અને નેવિગેશન સિસ્ટમને મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકાયો છે, જેથી ઉડાણોની નિયમિતતા અને સુરક્ષા વધશે. આ યોજનાના કારણે પર્યટન, વેપાર, તબીબી મુસાફરી અને સ્થાનિક ઉદ્યોગોને મોટો લાભ મળશે. નાના શહેરોમાં હોટેલ, પરિવહન, લોજિસ્ટિક્સ અને સેવા ક્ષેત્રોમાં નવી રોજગારીના અવસરો ઉભા થશે. ઉડાન યોજનાને માત્ર વિમાનની યોજના નહીં, પરંતુ પ્રાદેશિક આર્થિક વિકાસનું સાધન માનવામાં આવી રહ્યું છે.

મૂળ વાત એ છે કે, બજેટ 2026માં ઉડાન યોજનાનું આ મોટું વિસ્તરણ કરવામાં આવશે તેના કારણે દેશના હવાઇ ક્ષેત્રને નવી દિશા મળશે. નાના એરપોર્ટ, ટૂંકા અંતરની ફ્લાઇટ્સ અને ઓછા ભાડાને જોડીને, હવાઈ મુસાફરીને ટ્રેન અને બસ જેટલી સુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાને વધારે ફાયદો થવાનો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button