Budget 2024: આવકવેરામાં રાહત સહિત ઘણી મોટી જાહેરાતો લઇને આવશે FM નિર્મલા સીતારમણ
FM નિર્મલા સીતારમણ 23 અથવા 24 જુલાઈના રોજ સંસદમાં 2024-25 માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ સરકાર સામાન્ય લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરામાં રાહત આપવાનું વિચારી શકે છે. આ ઉપરાંત બજેટમાં ઘણી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આગામી બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ મુક્તિ મર્યાદાને 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે.
એવી પણ આશા રાખવામાં આવે છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે સરકારનું ધ્યાન દેશની જીડીપી વૃદ્ધિને આગળ વધારવા માટે મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત આપવાનું અને મહત્તમ રોકાણ મેળવવાનું છે. આવી સ્થિતિમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને મુક્તિ મર્યાદા વધારી શકાય છે.
જોકે, સરકાર રાજકોષીય ખાધને ઘટાડવાનો વિચાર કરી રહી છે, તેથી કદાચ આ કર મુક્તિઓ મુલતવી રાખવામાં આવી શકે છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના 5.1% ના તેના રાજકોષીય ખાધના લક્ષ્યને જાળવી રાખવાનું લક્ષ્ય રાખે છે. દરમિયાન, એવી અપેક્ષા છે કે સરકાર બજેટ દરમિયાન આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ કરમુક્તિની મર્યાદામાં વધારો કરી શકાય છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઇન્શ્યોરન્સ અને અન્ય સ્કીમ હેઠળ સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની કરમુક્તિમાં છેલ્લા 10 વર્ષમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે સરકાર તેની મર્યાદા વધારશે તો આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી વધી શકે છે.
આ પણ વાંચો : લોકસભાના સ્પીકરની બાજુમાં જે માર્શલ ઊભા થાય છે, કેવી રીતે બની શકાય? કેટલો હોય છે પગાર?
કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 2014માં ચૂંટણી પછી ભાજપ સરકારના પ્રથમ બજેટથી લઇને અત્યાર સુધી કલમ 80C હેઠળ મહત્તમ કપાત 1.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત કરી દેવામાંઆવી છે. કલમ 80C એ જૂની કર વ્યવસ્થામાં કરદાતાઓ માટે એક જાણીતું કર બચત સાધન છે. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો તેનો લાભ લેવા માટે રોકાણ કરી રહ્યા છે.
જીવન વીમા પ્રીમિયમ, ટ્યુશન ફી અને હોમ લોનની ચુકવણી જેવા ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે વ્યક્તિઓને ઘણીવાર રૂ. 1.5 લાખની લિમિટ સુધીની છૂટ મળે છે. કરદાતાઓ ઘણા સમયથી બજેટમાં આ લિમિટ વધારવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ હજુ સુધી એવું થયું નથી. હવે આશા છે કે આ વખતના બજેટમાં તેની મર્યાદા વધારવામાં આવી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સેક્શન 80Cની મર્યાદા વધારીને 2-2.5 લાખ રૂપિયા કરવાની માંગ છે, જેથી વધતી મોંઘવારીમાં થોડી રાહત મળી શકે. એમ માનવામાં આવે છે કે આ મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.