BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા

લખનઉ: બહુજન સમાજ પાર્ટી(BSP)માં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રવિવારે બસપા સુપ્રીમો માયાવતી(BSP Chief Mayawati)એ એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. આકાશના સસરા અશોક સિદ્ધાર્થને હટાવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
માયાવતીએ ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને મોટી જવાબદારી સોંપી છે. બંનેને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે માયાવતીએ કહ્યું કે હવે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. પક્ષ અને આંદોલનના હિતમાં સંબંધોનું કોઈ મહત્વ નથી.
આપણ વાંચો: માયાવતી રાહુલ ગાંધી પર કેમ થયા લાલઘૂમ, જાણો શું આપી સલાહ?
મહત્વની બેઠક:
બસપા સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઘણા રાજ્યોના પાર્ટી વડાઓએ ભાગ લીધો હતો. પાર્ટીના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા. રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે પરંતુ આકાશ આનંદે આ બેઠકમાં હાજરી આપી ન હતી.
માયાવતીની મોટી જાહેરાત:
માયાવતીએ કહ્યું કે હવે મેં પોતે આ નિર્ણય લીધો છે કે મારા છેલ્લા શ્વાસ સુધી, પાર્ટીમાં મારો કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. તેમણે કહ્યું કે મારા માટે પાર્ટી અને આંદોલન પહેલા આવે છે. ભાઈઓ, બહેનો, તેમના બાળકો અને બીજા સંબંધો વગેરે બધું પછી આવે છે.
આપણ વાંચો: માંગરોળમાં માયાવતીની પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં, ભાજપ-કૉંગ્રેસમાં ટાઇ
માયાવતીએ કહ્યું કે હું આનંદ કુમાર વિશે એ પણ જણાવવા માંગુ છું કે હાલના બદલાયેલા સંજોગોમાં, પાર્ટી અને આંદોલનના હિતમાં, તેમણે હવે તેમના બાળકોને બિન-રાજકીય પરિવાર સાથે સંબંધ જોડવાનો નિર્ણય લીધો છે જેથી પાર્ટીને ભવિષ્યમાં ક્યારેય કોઈ નુકસાન ન થાય.
માયાવતીએ નિર્ણય પાછો ખેંચ્યો:
ગયા વર્ષે મે મહિનામાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને તેમના ઉત્તરાધિકારી પરથી દૂર કર્યા હતા. ડિસેમ્બર 2023 માં, માયાવતીએ આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા. ત્યાર બાદ માયાવતીએ નિર્ણય પાછો ખેંચી લીધો. તેમણે કહ્યું કે આકાશ આનંદ સંપૂર્ણ પરિપક્વ ન થાય ત્યાં સુધી બંને મહત્વપૂર્ણ જવાબદારીઓથી દૂર રાખવામાં આવશે.
આકાશ આનંદે સીતાપુરમાં આપેલા એક નિવેદનમાં ભાજપ સરકારને ‘આતંકની સરકાર’ ગણાવી હતી, ત્યારબાદ તેમની સામે FIR પણ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત બે-ત્રણ વાર જોશમાં આવીને અપશબ્દો બોલ્યા હતાં.