નેશનલ

BSNLને મોટો ફટકોઃ સરકારની તમામ મહેનત પછી ડૂબશે?

નવી દિલ્હી: BSNLનું સ્વદેશી 4G નેટવર્ક દેશભરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નેટવર્ક 98,000 મોબાઇલ ટાવર્સ પર રોલ આઉટ કરવામાં આવ્યું છે. જોકે, 4G નેટવર્ક શરૂ કરવાની મહેનત પાણીમાં ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે દેશની સરકારી માલિકીની સૌથી મોટી ટેલિકોમ કંપની BSNLને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1,357 કરોડનું નોંધપાત્ર નુકસાન થયું છે.

નુકસાન વધવાના મુખ્ય કારણો

એક મીડિયા અહેવાલ મુજબ, આ ખોટ અગાઉના ક્વાર્ટર (જૂન ક્વાર્ટર રૂ. 1,049 કરોડ) અને ગયા વર્ષના સમાન ક્વાર્ટર (રૂ. 1,241.7 કરોડ) કરતાં વધારે છે. કંપની 4G લોન્ચ કરી રહી હોવા છતાં નુકસાન વધી રહ્યું છે. BSNLની ખોટ વધવા પાછળનું મુખ્ય કારણ 4G નેટવર્ક અપગ્રેડેશન પરનું ભારે રોકાણ છે. BSNLએ તેના નેટવર્કને અપગ્રેડ કરવા માટે ભારે મૂડીખર્ચ કર્યો છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંકેત આપ્યો હતો કે BSNL એ આ વર્ષે રૂ. 25,000 કરોડનો મૂડીખર્ચ (Capital Expenditure – CapEx) કર્યો છે. આ મોટા ખર્ચને કારણે કંપનીના હિસાબો પર અવમૂલ્યન (Depreciation) અને વ્યાજ ખર્ચમાં મોટો વધારો થયો છે. કંપનીનો અવમૂલ્યન અને અમોર્ટાઇઝેશન ખર્ચ કુલ રૂ. 2,477 કરોડ હતો, જે પાછલા વર્ષ કરતાં 57% વધુ છે. સિંધિયાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે “આપણે ભવિષ્યમાં નફાકારકતાનો સમયગાળો જોઈ શકીશું નહીં, કારણ કે રૂ. 2,500 કરોડનો બિન-રોકડ ફટકો ફક્ત અવમૂલ્યનને કારણે થશે.”

નુકસાન વચ્ચે પણ BSNL માટે કેટલાક સારા સમાચાર છે, જે 4G સેવાઓની શરૂઆતની અસર દર્શાવે છે.કંપનીની કાર્યકારી આવક વાર્ષિક ધોરણે 6.6 ટકા વધીને રૂ. 5,166.7 કરોડ થઈ છે. વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) રૂ. 81થી વધીને રૂ. 91 થઈ છે. આ દર્શાવે છે કે લોકો BSNL ની સેવાઓનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સપ્ટેમ્બરના અંતમાં BSNL પાસે 92.3 મિલિયન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ હતા. જોકે, આ આંકડો રિલાયન્સ જિયો (506 મિલિયન) અને એરટેલ (364 મિલિયન) કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. કંપની નાણાકીય વર્ષ 2026 સુધીમાં તેની આવક 20% વધારીને રૂ. 27,500 કરોડ કરવાનું લક્ષ્ય રાખે છે.

ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા અને પડકારો

બજાર નિષ્ણાતોના મતે, BSNL બે મુખ્ય પડકારોનો સામનો કરે છે. ખાનગી કંપનીઓની તુલનામાં BSNL ની બ્રાન્ડ બજારમાં ઓછી દેખાય છે. સરકારી કંપની હજી પણ સેવા ગુણવત્તાના સંદર્ભમાં પાછળ છે. Techarc ના મુખ્ય વિશ્લેષક ફૈઝલ કાવુસા માને છે કે BSNLનું ટર્નઅરાઉન્ડ મુશ્કેલ છે કારણ કે મેનેજમેન્ટની સરકારી સહાય પર ઉચ્ચ નિર્ભરતા છે.

ઉલ્લેખનીય છે કે, BSNLએ તેના ખર્ચનું સંચાલન કરવા માટે તેની એકાઉન્ટિંગ પદ્ધતિઓ બદલી છે. કંપનીએ નેટવર્ક વિસ્તરણ દરમિયાન કર્મચારીઓના ખર્ચને સીધી રીતે ‘ખર્ચ’ સાથે જોડવાને બદલે ‘કેપિટલ વર્ક-ઇન-પ્રોગ્રેસ’ (CWIP) સાથે જોડવાનું શરૂ કર્યું છે. BSNLએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારનું ‘મૂડીકરણ’ મોટા વિસ્તરણ દરમિયાન સામાન્ય છે અને જ્યારે પ્રોજેક્ટ આવક ઉત્પન્ન કરવાનું શરૂ કરશે, ત્યારે આ ખર્ચ નફા અને નુકસાન (P&L) ખાતામાં પ્રતિબિંબિત થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button