અગ્નિવીરો માટે મોટા સમાચાર: BSF ભરતીમાં હવે 50 ટકા અનામત મળશે

નવી દિલ્હી: ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 2022માં અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોને અગ્નિવીર તરીકે 4 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. જોકે, 4 વર્ષ બાદ અગ્નિવીરો શું કરશે? એવા સવાલો ઊભા થયા હતા. પરંતુ કેન્દ્ર સરકારે આ સવાલના જવાબમાં અગ્નિવીરોને BSFની ભરતીમાં મોટી અનામત આપી છે.
BSFની ભરતીના નિયમોમાં કરાયો ફેરફાર
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પૂર્વ અગ્નિવીરોને સુરક્ષા દળોમાં પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અગાઉ સીમા સુરક્ષા બળ (BSF) માં કોન્સ્ટેબલની ભરતી માટે પૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત કોટા અપાયો હતો. પરંતુ હવે આ અનામત કોટાને 10 ટકાથી વધારીને 50 ટકા કરી દેવામાં આવ્યો છે આ ફેરફાર માટે ‘BSF જનરલ ડ્યુટી કેડર ભરતી નિયમ 2015’માં સત્તાવાર સુધારો કરવામાં આવ્યો છે.
BSFની નવી અધિસૂચના મુજબ બે તબક્કામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પહેલા તબક્કામાં કુલ ખાલી જગ્યાઓ પૈકીની 50 ટકા બેઠકો પર માત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.
આ ઉપરાંત, બીજા તબક્કામાં બાકી રહેલી 47 ટકા જગ્યાઓ પર સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા અન્ય ઉમેદવારોની ભરતી કરાશે. જેમાં 10 ટકા પૂર્વ સૈનિકોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સિવાય દર વર્ષે BSFના ડિરેક્ટર જનરલ દ્વારા કામની જરૂરિયાત મુજબ મહિલાઓ માટે ખાલી જગ્યાઓની સંખ્યા નક્કી કરવામાં આવશે.
આપણ વાચો: આ રાજ્યમાં સરકારી નોકરીમાં નિવૃત્ત અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત, જાણો…
પૂર્વ અગ્નિવીરો વયમર્યાદામાં પણ મળશે છૂટછાટ
BSFની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે અનામત કોટા ઉપરાંત વયમર્યાદા પણ વધારવામાં આવી છે. અગ્નિવીરોની પ્રથમ બેચને ઉંમર મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે, જ્યારે બીજી બેચના પૂર્વ અગ્નિવીરોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. પૂર્વ અગ્નિવીરોને ફિઝિકલ ટેસ્ટમાંથી છૂટ આપવામાં આવી છે. જોકે તેમણે લેખિત પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલ નવી નોટિફિકેશન ફક્ત BSFના નિયમોમાં થયેલા ફેરફાર સાથે સંબંધિત છે. તે અન્ય સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ને લાગુ પડતી નથી. અગાઉ તમામ CAPFમાં પૂર્વ અગ્નિવીરો માટે માત્ર 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી હતી.



