ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન સામે અદમ્ય બહાદુરી બદલ 16 BSF જવાનોને વીરતા ચંદ્રક

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર દરમિયાન ‘ઉત્તમ શૌર્ય’ અને ‘અજોડ બહાદુરી’ દર્શાવવા બદલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના ૧૬ જવાનોને વીરતા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ જવાનો માટે વીરતા ચંદ્રક(જીએમ)ની જાહેરાત ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હતી. આમાંથી કેટલાક સૈનિકોએ દુશ્મન સર્વેલન્સ કેમેરાનો નાશ કર્યો હતો, જ્યારે અન્યોએ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
આ અર્ધલશ્કરી દળને દેશના પશ્ચિમ ભાગમાં સેનાના ઓપરેશનલ નિયંત્રણ હેઠળ નિયંત્રણ રેખા(એલઓસી) ઉપરાંત ૨,૨૯૦ કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ(આઇબી)ની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે.
બીએસએફએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ સ્વતંત્રતા દિવસ પર ૧૬ બહાદુર સીમા પ્રહરીઓ(બોર્ડર ગાર્ડસ્)ને તેમની અદમ્ય બહાદુરી અને અપ્રતિમ પરાક્રમ તથા દ્રઢ નિશ્ચય માટે વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવી રહ્યા છે. આ ચંદ્રકો ભારતની પ્રથમ સંરક્ષણ હરોળઃ સીમા સુરક્ષા દળમાં રાષ્ટ્રની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમાણ છે.
અત્રે નોંધનીય છે કે સરહદ પર બીએસએફ સાથે મળીને ત્રણેય સંરક્ષણ દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ૭ થી ૧૦ મે સુધી પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
આ હુમલામાં ૨૬ લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઓપરેશનમાં બે બીએસએફ જવાન શહીદ થયા હતા. જ્યારે સાત જવાન ઘાયલ થયા હતા.