BRSની નેતા કે. કવિતાની મુશ્કેલી વધી, દિલ્હી શરાબ કૌંભાડમાં EDએ કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસી કેસમાં ED એક પછી એક નેતાઓ પર ગાળિયો કસી રહી છે. આપના નેતાઓ બાદ હવે તેલંગાણાના પૂર્વ સીએમ અને ભઆરત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને ઈડીએ સાણસામાં લીધા છે. EDએ દાવો કર્યો હતો કે કે. કવિતા દારૂના વેપારીઓની લોબી ‘સાઉથ ગ્રુપ’ સાથે સંકળાયેલી હતી. ED અનુસાર, દક્ષિણ ભારતીય લોબી 2021-22 માટે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં મોટી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહી હતી. આ લિકર પોલિસી જો કે હવે રદ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ કવિતા (46)ને 15 માર્ચની સાંજે હૈદરાબાદના બંજારા હિલ્સ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી અને તેમને દિલ્હી લાવી હતી.
દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના કેસમાં EDએ હવે ગંભીર આરોપો લગાવ્યા છે. કેન્દ્રીય એજન્સીનો આરોપ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મળીને 100 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી, જેમાં કવિતા પણ સામેલ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં આ વાત સામે આવી છે. 16 માર્ચે, દિલ્હીની એક કોર્ટે EDની અરજી પર કે કવિતાને 23 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી હતી, હાલ તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે EDના આ નિવેદન બાદ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધી શકે છે.
ED એ તે બાબતનો પણ ઘટસ્ફોટ કર્યો છે કે કેવી રીતે એક્સાઇઝ પોલિસી દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું છે કે કાવતરાના ભાગરૂપે, નવી શરાબ નીતિમાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચના પૈસા સતત મોકલવામાં આવ્યા હતા. કાવતરા હેઠળ, દક્ષિણ ભારતના શરાબ માફિયાઓની લોબીનો ઈરાદો અગાઉથી આપવામાં આવેલી કરોડો રૂપિયાની લાંચની રકમ દારૂ પર નફાના માર્જિન વધારીને વસૂલ કરવાની અને આ નીતિથી બમણો નફો મેળવવાનો હતો. આમાં કવિતાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.