રામ રાખે તેને કોણ ચાખે! હિમાચલ અકસ્માતમાં ભાઈ-બહેન માટે બસની છેલ્લી સીટ બની જીવાદોરી, જાણો કેવી રીતે બચ્યો જીવ…

બિલાસપુર: હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં 7 ઓક્ટેબરની સાંજે બાર્થી નજીક બાલુઘાટ (ભલ્લુ બ્રિજ) વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. મારોટન-ઘુમરવિન રૂટ પર જતી એક બસ પર ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો, જેમાં 18 મુસાફરોના કરુણ મોત થયા હતા. જોકે, આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર 10 વર્ષની આરુષિ અને તેના 8 વર્ષના ભાઈ શૌર્યનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ ભાઈ-બહેનનો જીવ કેવી રીતે બચ્યો, આવો જાણીએ.
એક નિર્ણયે બચાવ્યો ભાઈ-બહેનનો જીવ
આરુષિ અને શૌર્ય તેમના પરિવાર સાથે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતની થોડી મિનિટો પહેલા, ભાઈ-બહેન બારી બહાર જોઈને કંટાળી ગયા હતા. રાત્રિના અંધારાને કારણે બહાર કંઈ દેખાતું ન હોવાથી, તેમણે બસની છેલ્લી સીટ પર જઈને રમવાનું નક્કી કર્યું. આ નિર્ણય આરુષિ અને શૌર્યના જીવ બચવાનું કારણ બન્યો.
જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે બસનો આગળનો ભાગ કાટમાળ નીચે દટાઈ ગયો હતો. પરંતુ પાછળની સીટ પર હોવાને કારણે આરુષિ અને શૌર્યને નાની ઈજાઓ સિવાય કોઈ જાનહાનિ થઈ ન હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આરુષિને પગમાં સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે શૌર્ય લગભગ સલામત હતો. બંનેને AIIMS બિલાસપુર લઈ જવામાં આવ્યા અને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ચાર પરિવારજનોએ ગુમાવ્યો જીવ
જોકે, આરુષિ અને શૌર્યનો પરિવાર એટલો નસીબદાર નહોતો. બસમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા તેમની માતા કમલેશ, કાકી અંજના અને બે પિતરાઈ ભાઈઓ નક્ષ અને આરવનું નિધન થયું હતું. અકસ્માતના બીજા જ દિવસે, 8 વર્ષના શૌર્યએ તેના પરિવારના ચાર સભ્યોની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું કે અંજનાએ કારને બદલે બસમાં પાછા ફરવાનું નક્કી કર્યું હતું, જે નિર્ણય આખા પરિવાર માટે વિનાશક સાબિત થયો.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને રૂ. 4 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. વધુમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી છે.
આ પણ વાંચો…હિમાચલ પ્રદેશમાં નડેલા અકસ્માતમાં ઘાટકોપરની કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો