વીજ વિભાગનો છબરડોઃ 2 અબજ રુપિયાનું વીજળીનું બિલ આપતા વેપારીની ઊંઘ હરામ

હમિરપુરાઃ દેશમાં વીજળીના તોતિંગ રકમના બિલની વાત કંઈ નવી નથી, જેમાં એક સામાન્ય માણસના નામે લાખો-કરોડો રુપિયાના વીજળીના બિલ આવતા હોય છે.
તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં ઈંટ બનાવનારા એક કારોબારીને વીજ વિભાગ દ્વારા કરોડમાં નહીં, પરંતુ અબજ રુપિયાનું બિલ પકડાવી દેતા વીજ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ બિલની રકમ જોઈને વેપારીના જ નહીં, પરંતુ વીજ પ્રશાસનના હોંશ ઉડી હતા.
હિમાચલના હમિરપુર જિલ્લામાં લલિત ધીમાનના નામના કારોબારી વીજ વિભાગના છબરડાનો ભોગ બન્યો હતો. જોકે, લાખો, કરોડો રુપિયા નહીં, પરંતુ અબજો રુપિયામાં આવેલા બિલની રકમ જોઈને વેપારીએ વીજ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. ગભરાયેલા વેપારીએ વીજળી બોર્ડની ઓફિસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.
આપણ વાંચો: કિસાન સૂર્યોદય યોજનાઃ ગુજરાતમાં 96 ટકા ગામને દિવસે વીજળી મળ્યાનો સરકારનો દાવો…
હિમાચલના જિલ્લા હમિરપુરના જટ્ટા ગામની આ ઘટના છે. ક્રોંક્રીટ અને સિમેન્ટની ઈંટોનો લઘુઉદ્યોગ ચલાવવાવાળા લલિત ધીમાનના વીજળીના બિલમાં 2,10,42,08,405 રૂપિયાની રકમ દર્શાવી હતી. વીજળી બોર્ડના કર્મચારીઓએ તેમને અબજ રૂપિયાનું બિલ પકડાવી દીધુ હતું, જ્યારે તેના અંગે વીજ વિભાગના કાર્યાલયમાં જઈ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ કરવામાં આવ્યા પછી વીજ વિભાગની તપાસ દરમિયાન માહિતી પ્રાપ્ત થઈ કે ટેક્નિકલ ખામીને કારણે અબજોમાં બિલ બન્યું હતું. જોકે, હવે બિલમાં સુધારો કરવામાં આવ્યો છે અને કારોબારીને 4,047 રુપિયાનું બિલ આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બિલ મોકલ્યા પહેલા તેની મંજૂરી લેવાની હોય છે, પરંતુ એ થઈ નહોતી. આ અંગે હવે ભવિષ્યમાં ફરી આવી ભૂલ ન થાય તેના માટે તમામ દસ્તાવેજો સાથે સોમવારે એસ.ડી.ઓને બોલાવવામાં આવ્યા છે. જોકે, બિલમાં સુધારો કર્યા બાદ ગ્રાહકને 4 હજાર 47 રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું હતું.