
લેફ્ટનેંટ કર્નલ દીપક કુમારે લીધી હતી રૂ. 3 લાખની લાંચ
નવી દિલ્હી: દેશમાં ઘણા દૂષણો પ્રવર્તમાન છે. ભ્રષ્ટાચાર આવા દૂષણો પૈકીનું એક દૂષણ છે. જોકે, ભ્રષ્ટાચાર વિરોધી સરકારી સંસ્થાઓ ભ્રષ્ટાચારને નાથવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રયત્નોના ભાગરૂપે તાજેતરમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ લાંચ લેવાના મામલામાં રક્ષા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીની ધરપકડ કરી છે.
લેફ્ટનેંટ કર્નલે લીધી 3 લાખની લાંચ
રક્ષા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં લેફ્ટનેંટ કર્નલ દીપક કુમાર શર્મા ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસરની ફરજ બજાવે છે. મળતી માહિતી મુજબ, તે ડિફેન્સ પ્રોડક્ટ બનાવવાનું તથા એક્સપોર્ટ વગેરેનું કામ કરનારી જુદી-જુદી પ્રાઇવેટ કંપનીના પ્રતિનિધિઓ સાથે મળીને ગુનાઇત કાવતરૂ કરતો હતો. તે કંપનીના પ્રતિનિધિઓ પાસેથી લાંચ લઈને તેમની ખોટી રીતે મદદ કરતો હતો. આ ગુનાઇત કાવતરાની શ્રેણીમાં 18 ડિસેમ્બર 2025ના રોજ દુબઈની એક કંપનીના કહેવાથી વિનોદ કુમાર નામના વ્યક્તિએ લેફ્ટનેંટ કર્નલ દીપક કુમાર શર્માને 3 લાખ રૂપિયાની લાંચ આપી હતી.
લેફ્ટનેંટ કર્નલના ઘરે CBIના દરોડા
19 ડિસેમ્બર 2025ના રોજ રક્ષા મંત્રાલયને લેફ્ટનેંટ કર્નલ દીપક કુમાર શર્માએ લાંચ લીધાની ફરિયાદ મળી હતી. જેને લઈને CBIએ દીપક કુમાર શર્મા અને વિનોદ કુમારની ધરપકડ કરી હતી. આ સાથે CBIએ દીપક કુમાર શર્માના દિલ્હી, બેંગલૂરુ અને રાજસ્થાનની રહેઠાણ પર દરોડા પાડ્યા હતા. જેમાં દીપક કુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી લાંચરૂપે લીધેલા 3 લાખ રૂપિયા ઉપરાંત 2 કરોડ 23 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. CBIએ બંને આરોપીનઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી તેઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
સરકારી વિભાગોમાંથી મેળવ્યા અનેક લાભ
ઉલ્લેખનીય છે કે, બેંગલૂરુમાં રહેતા રાજીવ યાદવ અને રવજીત સિંહ નામના શખ્સો દુબઈ સ્થિત આરોપી કંપનીની ભારતની કામગીરીની દેખરેખ રાખે છે. તેઓ લેફ્ટનેંટ કર્નલ દીપક કુમાર શર્માના સંપર્કમાં હતા. તેમણે લેફ્ટનેંટ કર્નલ દીપક કુમાર શર્મા સાથે મળીને જુદા-જુદા સરકારી વિભાગો અને મંત્રાલયોમાંથી ગેરકાયદે ઘણા ફાયદા મેળવ્યા હતા.
આ પણ વાંચો…સુરતથી ACB એ ઝડપ્યો લાંચિયો તલાટી; આવાસ યોજનાનાં લાભાર્થીનાં ફોર્મમાં સહી કરવા માંગી હતી લાંચ…



