બિહારમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું, બંધનું એલાન, રાજકીય પક્ષોએ આપ્યું સમર્થન
પટના: ખેડૂતો સંગઠનોના એલાનને પગલે આજે પંજાબમાં બંધ પાળવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ બિહારમાં પણ બંધ એલાન (Bihar Bandh) કરવામાં આવ્યું છે. બિહારમાં સરકારી નોકરી માટેની પરીક્ષાના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દરમિયાન સોમવારે બિહાર બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેની અસર દેખાવા લાગી છે.
વિદ્યાર્થીઓની માંગ:
બિહાર પબ્લિક સર્વિસ કમિશન સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો સતત વધી રહ્યો છે, વિદ્યાર્થીઓનો આરોપ છે કે પરીક્ષામાં ગેરરીતિના આચરવમાં આવી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ પંચે તેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રવિવારે વિદ્યાર્થીઓ પર ફોર્સ અને વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી વિદ્યાથીઓ વધુ નારાજ થયા છે. વિદ્યાર્થીઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.
રાજકીય પક્ષોનું સમર્થન:
વિદ્યાર્થીઓએ ચક્કા જામ અને રેલ રોકવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત રાજકીય પક્ષોએ પણ આ ચક્કા જામને સમર્થન આપવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ બિહારમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બિહારમાં બીજેપીનું ડબલ એન્જિન યુવાનો પરના બેવડા અત્યાચારનું પ્રતિક છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવે જનસુરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આંદોલનને હાઈ-જેક કરવા માંગે છે. તેજસ્વીએ કહ્યું, “કેટલાક લોકો સૌથી આગળ હોવાની વાત કરી રહ્યા હતા પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો ત્યારે તેઓ ભાગી ગયા.”
Also read: બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો
ડાબેરી પક્ષ માલેએ સમગ્ર બિહારમાં ચક્કા જામને સમર્થનને જાહેરાત કરી છે.વિધાનસભ્ય સંદીપ સૌરભે આ મામલે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને પત્ર લખીને ફરીથી તપાસની માંગ કરી છે. પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઇ હોવાથી પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. CPI-MLના રાજ્ય સચિવ કુણાલે કહ્યું છે કે BPSC ઉમેદવારોના ચાલી રહેલા આંદોલન પ્રત્યે સરકારનું દમનકારી વલણ નિંદનીય છે. અમારી માંગણી છે કે સરકાર તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરે અને પરીક્ષા તાત્કાલિક રદ કરે. CPI-ML 30મી ડિસેમ્બરે યોજાનાર ચક્કા જામને સમર્થન આપશે.
માલેએ કહ્યું છે કે ઉમેદવારોના સમર્થનમાં 30મી ડિસેમ્બરે સમગ્ર બિહારમાં ચક્કા જામ કરવામાં આવશે. ટ્રેન પણ રોકવામાં આવશે. વિદ્યાર્થી સંગઠનો AISA અને RYAએ પણ બિહાર બંધને સમર્થન આપ્યું છે. રવિવારે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.