પટણાઃ બિહારમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) સામે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે તેમની માંગણીને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવાસસ્થાન સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગાંધી મેદાનની આસપાસનો માહોલ તંગ બની ગયો હતો અને પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા બળપ્રયોગ સાથે લાઠીચાર્જ કર્યો હતો.
આ પણ વાંચો : બિહારમાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવતઃ વિપક્ષ નેતા પ્રશાંત કિશોરે ઝંપલાવ્યું
પોલીસે કર્યું બળપ્રયોગ
મળી રહેલી વિગતો અનુસાર BPSCની પરીક્ષામાં ગેરરીતિ થયાનાં આક્ષેપ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ આજે ગાંધી મેદાન પહોંચ્યા હતા. જ્યાં વિપક્ષ નેતા પ્રશાંત કિશોર પણ પહોંચ્યા હતા. ઉમેદવારોએ મુખ્ય પ્રધાનનાં નિવાસસ્થાન સુધી કૂચ કરી ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આથી ઉમેદવારો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. જો કે ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રે ઉમેદવારોને વિસ્તાર ખાલી કરવા વિનંતી કરી, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ત્યાંથી ખસવા તૈયાર ન હતા, આથી પોલીસને તેમને ત્યાંથી હટાવવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
અનેક પ્રદર્શનકારીઓની અટકાયત
ઉમેદવારો પોતાની માંગને લઈને અડગ હતા અને આથી તેમને હટાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને પછી લાઠીચાર્જ કર્યો. હાલ ગાંધી મેદાન વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આંદોલનને કારણે ગાંધી મેદાન અને આસપાસના વિસ્તારોમાં લગભગ ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો.
આ પણ વાંચો : SAD NEWS: મધ્ય પ્રદેશમાં ૧૦ વર્ષના બાળકનું બોરવેલમાં પડતા મોત…
BPSC સામે વિદ્યાર્થીઓમાં રોષ
ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી BPSCને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે અને ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે BPSC દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, આથી તે પરીક્ષા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે BPSC દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થયું નથી. 25 ડિસેમ્બરથી વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત છે, જેને રોકવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.