SAD NEWS: મધ્ય પ્રદેશમાં ૧૦ વર્ષના બાળકનું બોરવેલમાં પડતા મોત…

ભોપાલઃ મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં ૧૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ૧૦ વર્ષના છોકરાને બચાવવા માટે અનેક એજન્સીઓના ૧૬ કલાકના સઘન પ્રયાસો છતાં તે જીવનની લડાઇ હારી ગયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઇ એરપોર્ટ પર સેંકડો યાત્રી 16 કલાક સુધી અટવાયા, ઇન્ડિગોએ જણાવ્યું કે….
ગુના જિલ્લા મુખ્યાલયથી ૫૦ કિમી દૂર રાઘોગઢ વિધાનસભા મતવિસ્તારના પિપલિયા ગામમાં શનિવારે સાંજે લગભગ ૫ વાગ્યે સુમિત મીના નામનો બાળક બોરવેલની ખુલ્લી શાફ્ટમાં પડી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે ૯-૩૦ વાગ્યાની આસપાસ તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો.
ગુનાના પોલીસ અધિક્ષક સંજીવ સિન્હાના જણાવ્યા મુજબ બાળકને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાઘોગઢની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ગુના જિલ્લાના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડો. રાજકુમાર ઋષિશ્વરે હોસ્પિટલમાં પત્રકારોને જણાવ્યું કે દુઃખની વાત છે કે તે હવે આ દુનિયામાં નથી.
રાઘોગઢના કોંગ્રેસ ધારાસભ્ય જયવર્ધન સિંહે સવારે ઘટનાસ્થળેથી જણાવ્યું હતું કે બચાવ ટીમે રાતભર કામ કર્યું હતું. ખાડા અને બોરવેલ વચ્ચેના રસ્તેથી બાળક સુધી પહોંચવા માટે સમાંતર ખાડો ખોદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પતંગ લૂટવાની હોડમાં માસૂમ બાળક 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું, શું પોલીસ તેનો જીવ બચાવી શકશે?
ગુનાના કલેક્ટર સતેન્દ્ર સિંહે જણાવ્યું કે બાળક લગભગ ૧૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં ૩૯ ફૂટની ઊંડાઇએ ફસાઇ ગયો હતો. તેણે કહ્યું કે બોરવેલમાં પાણી આવ્યું ન હતું અને તેથી તેના પર કોઇ કવર મૂકવામાં આવ્યું ન હતું. એનડીઆરએફની ટીમ શનિવારે મોડી સાંજે ભોપાલથી ત્યાં પહોંચી હતી અને ઓપરેશનમાં મદદ કરી હતી.