જ્ઞાનવાપીમાં પૂજા અને નમાઝ બંને ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજી ભોંયરામાં પૂજા કરવાના મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ આંચકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે આદેશ આપતાં કહ્યું હતું કે 31 જાન્યુઆરીના આદેશથી નમાઝ પર કોઈ અસર થઈ નથી. CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે જ્ઞાનવાપી ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે જ્યારે મસ્જિદનો પ્રવેશ ઉત્તર તરફથી છે અને બંને એકબીજાને અસર કરતા નથી.
સુપ્રીમ કોર્ટે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે વકીલે જણાવ્યું હતું કે વ્યાસ બેઝમેન્ટના કેસમાં કબજો આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે રાહત આપી નથી. ત્યાં પૂજા થઈ રહી છે. કોર્ટે નીચલી કોર્ટના આદેશ પર સ્ટે મૂકવો જોઈએ. આ મસ્જિદના પરિસરમાં છે અને તેને મંજૂરી આપવી યોગ્ય નથી.
આપણ વાંચો: વારાણાસી: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાની મંજુરી મામલે સુપ્રીમ કોર્ટમાં 1 એપ્રિલે થશે સુનાવણી
મુસ્લિમ પક્ષના વકીલની સુનાવણી દરમિયાન ખંડપીઠે પૂછ્યું કે શું ભોંયરામાં અને મસ્જિદ જવાનો એક જ રસ્તો છે? આ અંગે મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું હતું કે ભોંયરું દક્ષિણમાં છે અને મસ્જિદ જવાનો રસ્તો ઉત્તરમાં છે. જેના પર ખંડપીઠે જવાબ આપ્યો કે નમાઝ અદા કરવા અને પૂજા કરવા જવાના માર્ગો અલગ-અલગ છે, તેથી અમે માનીએ છીએ કે પૂજાની બંને પદ્ધતિઓમાં કોઈ અડચણ નહીં આવે. કોર્ટે વ્યાસજી ભોંયરામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો હતો.
જ્ઞાનવાપી કેમ્પસમાં વ્યાસ બેઝમેન્ટમાં પૂજા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હવે જુલાઈના ત્રીજા સપ્તાહમાં થશે.