નેશનલ

બજેટમાંથી રેલવેને Booster Dose: નવા પુલ-લિફ્ટ/એસ્કેલેટર માટે આટલા કરોડની ફાળવણી

મુંબઈ: રેલવે પ્રશાસન દ્વારા મુંબઈ ડિવિઝનમાં મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈના રેલવેના જૂના રોડઓવર બ્રિજ (ROB)ના સમારકામ અને નવા બાંધકામ માટે લગભગ 1,952 કરોડ રુપિયાની જોગવાઈ કરી છે, જ્યારે લિફ્ટ-એસ્કેલેટર સહિત અન્ય કામકાજ માટે 2,157 કરોડની ફાળવણી કરી છે.

મુંબઈ માર્ગમાં અનેક વર્ષો જૂના આરઓબી આવેલા છે, જેમાં અનેક આરઓબીની હાલત અત્યંત ખરાબ છે. આ પુલને લીધે કોઈ મોટી દુર્ઘટનાનું નિર્માણ થાય નહીં તેના માટે આરઓબીનું ફરી નિર્માણ કરવાની સાથે લોકોને રેલવે લાઇનને વટાવવાથી રોકવા માટે અનેક સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ (FOB)નું નિર્માણ બજેટની રકમમાંથી કરવામાં આવશે.

પ્રવાસીઓની મુસાફરી આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેનું મોર્ડનાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં ગયા વર્ષ કરતાં 29 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

રેલવે અધિકારીએ આપેલી માહિતી મુજબ આ બજેટમાં પશ્ચિમ રેલવેને સુરક્ષા માટે રૂ. 1,196 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ફંડથી પ્રભાદેવી, દાદર અને વિરાર-વૈતરણા ખાતેના આરઓબીને ફરીથી બનાવાશે. મધ્ય રેલવેના ટ્રેક સુરક્ષા માટે રૂ. 756 કરોડની રકમ આપવામાં આવી છે. આ રકમમાંથી વિક્રોલી અને દિવા સ્ટેશનના પરિસરમાં રેલવે ઓવરબ્રિજ અને દિવા-વસઇ, દિવા-પનવેલ લાઇનના આરઓબીનું બાંધકામ કરવામાં આવશે.

મધ્ય રેલવેના દિવા જંકશન પરિસરમાં આરઓબીના નિર્માણ માટે રૂ. 18 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. દિવા સ્ટેશન પર જ્યારે લેવલ ક્રોસિંગ ગેટ ખૂલે છે ત્યારે ટ્રેનને સાતથી આઠ મિનિટ સુધી સ્ટેશન પર રોકવામાં આવે છે, જેથી રશ અવરમાં પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે એક આરઓબી બનાવ્યો હતો, પરંતુ ફન્ડિંગને કારણે કામ અટક્યું છે. જોકે નવા બજેટની રકમથી આ હાલત સુધરે એવી પ્રવાસીઓને આશા છે.

આ વખતના બજેટમાંથી વધુ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ એફઓબી, આરઓબી સહિત નવા એસ્કેલેટર, લિફ્ટ સહિત અન્ય સુવિધાનો સમાવેશ થાય છે. મુંબઈ સબર્બન રેલવેમાં ટ્રેક કોર્સ કરતી વખતે અનેક વખત લોકો મોતને ભેટે છે. આ પ્રકારના અકસ્માતને રોકવા માટે સ્ટેશન પર એસ્કેલેટર, લિફ્ટ, પ્લેટફોર્મ રૂફ અને એફઓબી બનાવવા માટે મધ્ય રેલવેને 1,022 કરોડ રૂપિયા અને પશ્ચિમ રેલવેને 1,135 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે.

મધ્ય અને પશ્ચિમ રેલવેને મળેલા આ કુલ બજેટમાંથી મધ્ય રેલવેના વિક્રોલી આરઓબી માટે પાંચ કરોડ, દિવા આરઓબી માટે 18 કરોડ, દિવા-વસઇ આરઓબી માટે 12 કરોડ અને કલ્યાણ-ઇગતપુરી સેક્શન આરઓબી માટે 16 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. તેમ જ પશ્ચિમ રેલવેના પ્રભાદેવી આરઓબી રિગર્ડરિંગ માટે બે કરોડ, વસઇ-વૈતરણા ચાર લેન આરઓબી માટે બે કરોડ અને દાદર આરઓબી રિગર્ડરિંગ માટે પણ બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button