અમેરિકન બાળકને દત્તક લેવા પર બોમ્બે હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો: ભારતીયને મૂળભૂત અધિકાર નથી

મુંબઈ: બાળકને સંભાળ અને સુરક્ષાની જરૂર ન હોય અથવા કાયદાકીય સમસ્યા ન હોય એ પરિસ્થિતિમાં કોઈ પણ ભારતીયને સંબંધી સહિત કોઈ પણ અમેરિકન નાગરિકત્વ ધરાવતા બાળકને દત્તક લેવાનો મૂળભૂત અધિકાર નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે.
ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની ખંડપીઠે આજે એક ભારતીય દંપતીની તેમના જન્મથી અમેરિકન નાગરિકત્વ ધરાવતા સંબંધીના પુત્રને દત્તક લેવાની અરજી નકારી કાઢી હતી.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન કિસ્સામાં બાળક ‘સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળક’ અથવા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ અને એડોપ્શન રેગ્યુલેશન્સની જોગવાઈઓ અનુસાર કાયદાકીય સમસ્યાની વ્યાખ્યામાં બેસતું નથી.
આ પણ વાંચો: પિતાના અવસાન બાદ સગીર બાળકીની વાલી માતા જ: બોમ્બે હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો…
ખંડપીઠે દત્તક લેવાની મંજૂરી આપવા માટે તેના અસાધારણ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમેરિકન બાળકને દત્તક લેવાનો અરજદારોનો કોઈ ‘મૂળભૂત અધિકાર’ નથી.
હાઈ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘દંપતીએ અમેરિકન કાયદા અને પ્રક્રિયા અનુસાર અમેરિકાથી બાળકને દત્તક લેવાની તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની રહેશે. ત્યાર બાદ જ તેઓ દત્તક લીધેલા વિદેશી બાળકને ભારત લાવવાના સંદર્ભમાં દત્તક લીધા પછીની પ્રક્રિયામાં આગળ વધી શકશે.’
આ પણ વાંચો: ધારાવી પુનર્વિકાસ: મીઠાના અગરની જમીન ટ્રાન્સફર વિરુદ્ધ PIL બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…
સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એજન્સી (સીએઆરએ)એ આ દંપતીને સંભવિત દત્તક લેનારા માતા-પિતા તરીકે રજીસ્ટ્રેશન કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે એડોપ્શન રેગ્યુલેશન્સ અમેરિકન નાગરિકને દત્તક લેવાની સુવિધા આપતા નથી.
બાળકને સંભાળ અને સુરક્ષાની જરૂર હોય અથવા કાયદાકીય સમસ્યા હોય તો જ સીએઆરએ અનુસાર જુવેનાઇલ એક્ટની જોગવાઈઓ દત્તક લેવાની મંજૂરી આપે છે.
(પીટીઆઈ)