પટણા સ્ટેશને આવેલી ટ્રેનમાં બૉમ્બની ધમકી, સુરક્ષા દળો હરકતમાં
પટણાઃ બિહારની રાજધાની પટણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પટણા જંક્શનના પ્લેટફોર્મ નંબર 10 પર આવેલી પટણા-ગયા પેસેન્જર ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. આ માહિતીને લઈને પટણા જંકશન પર ખળભળાટ મચી ગયો છે.
જીઆરપી અને આરપીએફ સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓએ સમગ્ર જંકશનને ઘેરી લીધું છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે પ્લેટફોર્મ નંબર 10 પર દરેક મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તપાસ કરી રહી છે. છેલ્લા સાત દિવસમાં બોમ્બની આ બીજી ધમકી છે.
આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. RPF, GRPF અને અન્ય તપાસ એજન્સીઓ સહિત સ્થાનિક પોલીસ કામે લાગી છે. સમગ્ર સ્ટેશન પરિસરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક શંકાસ્પદની શોધ કરવામાં આવી રહી છે અને તેમની હિલચાલ પર બારિકાઇથી નજર રાખવામાં આવી રહી છે. . બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે, એવી પટણા રેલવે પોલીસે માહિતી આપી છે.
લગભગ પાંચ દિવસ પહેલા એટલે કે 13 ઓક્ટોબરે પટણા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ આરપીએફ, જીઆરપીએફ સહિત જિલ્લા પોલીસે સ્ટેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર સંકુલના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે, ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિનો પત્તો લાગ્યો ન હતો.