શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બની ધમકી, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

શિરડી: પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એવામાં મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb blast threat at Shirdi Saibaba Temple) મળી છે. ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. મંદિરની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ મંદિર પરિસરની તપાસ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.
અહેવાલ મુજબ સંસ્થાને મળેલા એક ઈ-મેલમાં મંદિરમાં બોમ્બબ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ દોડધામ મચી ગઈ હતી. માહિતી મળતા પોલીસ ટીમો મંદિર મોકલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આખા મંદિર પરિસરની સંપૂર્ણ તપાસ કરી હતી. જોકે, મંદિર અને તેની આસપાસ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જોકે, આમ છતાં, આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
સાયબર સેલ તપાસ કરી રહ્યું છે:
શિરડી સાંઈ સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે તેમને આજે આ ધમકીભર્યો મેઇલ મળ્યો છે. મેઇલમાં ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ અને ઓળખ છુપાવી છે. સંસ્થાએ આ મેઇલને ગંભીરતાથી લીધો અને શિરડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. છે
આ પછી, પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને સાયબર સેલને જાણ કરી. સાયબર એક્ષ્પર્ટ્સ હવે આ મેઇલ કોણે અને ક્યાંથી મોકલ્યો તે જાણવા માટે તપાસ કરી રહ્યા છે.
સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી:
નોંધનીય છે કે શિરડી સાંઈ બાબા મંદિર દેશના સૌથી પ્રખ્યાત મંદિરમાંથી એક છે. દેશભરમાંથી રોજ હજારો ભક્તો આ મંદિરમાં પહોંચે છે. હાલ મંદિરમાં આવતા લોકોને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર પણ મંદિર ટ્રસ્ટ અને પોલીસ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો….ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…